Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

ભાજપ પક્કડ ટકાવવા, કોંગી પક્કડ જમાવવા અને આપ પક્કડ બતાવવા રણમેદાનમાં

જીવનમેં હોતી હૈ ઉસકી જયજયકાર, અપને દમ પર જો કરે ચૂનોતિયો કો પાર : ભાજપ જીતે તો પુનરાવર્તન, કોંગ્રેસ વિજેતા બને તો પરિવર્તન : આમ આદમી પાર્ટી સફળ થાય તો ધારસભામાં ત્રીજા બળનો ઉદય

રાજકોટ તા. ૧૫ : રાજ્યની ૧૪મી વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણના આરે છે અને ૧૫મી વિધાનસભાની રચનાની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની ૮૯ બેઠકો માટે આજે ઉમેદવારી કરવાની છેલ્લો દિવસ છે. ઉત્તર અને મધ્ય ગુજરાતની ૯૩ બેઠકો માટે ૧૭મી સુધી ઉમેદવારી કરી શકાશે. આ વખતની ચૂંટણીમાં ઘણા પક્ષો અને અપક્ષો મેદાનમાં છે પણ મુખ્ય સ્પર્ધા ભાજપ - કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી વચ્ચે છે. ત્રણેય પક્ષો પોતાના એજન્ડાથી ચૂંટણી લડશે. કોઇ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. કોઇ માટે અસ્તિત્વ ટકાવવાનો પ્રશ્ન છે તો કોઇ પક્ષ માટે અસ્તિત્વ બતાવવાનો પ્રશ્ન છે.

ત્રણેય મુખ્ય પક્ષોએ તમામ ૧૮૨ બેઠકો માટે લડવાનું જાહેર કરી દીધું છે. મોટાભાગના ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. રાજ્યમાં ૧૯૯૫ પછી ભાજપ છેલ્લી ૬ ચૂંટણી જીતી રહ્યો છે. આ વખતે ૭મી વખત જીતીને ઇતિહાસ સર્જવા માગે છે. ભાજપ માટે ગુજરાતમાં રાજકીય પક્કડ ટકાવવાની લડાઇ છે. અહીંના પરિણામની નોંધ દેશ-વિદેશમાં લેવાનાર છે. કોંગ્રેસને ૨૦૧૭માં સત્તાથી થોડુ છેટુ રહી ગયેલ. તે વખતે ૭૭ બેઠકો મળી હતી. આ વખતે વધુ એક વખત સત્તા પ્રાપ્તિના લક્ષ્યાંક સાથે ચૂંટણી લડે છે. કોંગ્રેસ માટે પક્કડ જમાવવાનો અવસર છે.

ગુજરાતના મતદારો સામાન્ય રીતે ભાજપ અથવા કોંગ્રેસને પસંદ કરે છે પરંતુ આ વખતે કેજરીવાલની આમ આદમી પાર્ટી કચકચાવીને મેદાને છે. ભાજપ કોંગ્રેસના નેતાઓની જેમ આપના નેતાઓ પણ વારંવાર ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. દિલ્હી અને પંજાબ મોડલ આધારિત ચૂંટણી પ્રચાર કર્યો છે. આપ માટે ગુજરાતમાં પક્કડ બતાવવાની તક છે. આપ સરકાર બનાવવા આશાવાદી છે. રાજ્યમાં પહેલી વખત વ્યાપક રીતે ચૂંટણી લડી રહેલ હોવાથી આમ આદમી પાર્ટીએ તમામ તાકાત કામે લગાડી છે.ભાજપ પક્કડ ટકાવી શકે છે, કોંગ્રેસ પક્કડ જમાવી શકે છે કે આપ પક્કડ બતાવી શકે છે ? તે તો ૧ ડિસેમ્બરે અને ૫ ડિસેમ્બરે મત મશીનમાં કેદ થયા બાદ ૮ ડિસેમ્બરે મત ગણતરી વખતે જ ખ્યાલ આવશે. રાજ્યની ચૂંટણી રસપ્રદ બની છે.

(11:53 am IST)