Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

અંતે પ્રેમવીરસિંહ સહીત ૫ અધિકારીઓની બદલી નહિ થાય, ચૂંટણી પંચની લીલી ઝંડી

કેન્‍દ્રીય ચૂંટણી પંચના સચિવ સુજીત કુમાર દ્વારા ઉકત મુકિત આપેલ અધિકારીઓને ચૂંટણી ફરજ નહિ સોંપવા રાજય સરકારને તાકીદ : હિમાંશુ શુકલા, દિપ્રન ભદ્રને ભુતકાળમાં અપાયેલ મુકિતની પેટર્ન મુજબ અમદાવાદ પોલીસ ક્રાઇમ બ્રાન્‍ચ વડા વિગેરે માટે રાજય સરકારની દરખાસ્‍ત મંજૂર

રાજકોટ તા.૧૪: કેન્‍દ્રીય ચૂંટણી પંચ દ્વારા આખરે રાજય સરકારની વિસ્‍તૃત રજૂઆત ધ્‍યાને રાખી અમદાવાદના એડી.પોલીસ કમિશનર ક્રાઇમ પ્રેમવીરસિંહ સહિત ૫ અધિકારીઓની બદલી ન કરવાની દરખાસ્‍ત મંજૂર રાખી તેમને મૂળસ્‍થાન પર ફરજ બજાવવા લીલીઝંડી આપવામાં આવી છે.

જે આઇપીએસ અધિકારીઓની બદલી ન કરવાની બાબત ગ્રાહ્ય રાખવામાં આવી છે તેમાં અમદાવાદના એડી.પોલીસ કમિશનર પ્રેમવિરસિંહ હસ્‍તક વીવીઆઇપી સુરક્ષા, શહેરના અસામાજિક તત્‍વો અંગેની માહિતી, સ્‍લીપર સેલ, ઉગ્રવાદી સંગઠન જેવી ખૂબ મહત્‍વની બાબતો માટે તેમના જેવા અનુભવી અને ચૂંટણીમાં તેમને કોઇ નિસબત ન હોવાથી તેમને ભુતકાળમાં ક્રાઇમ બ્રાન્‍ચ ડીસીપી હિમાંશુ શુકલા અને દીપેન ભદ્ર જેમ મુકિત આપવામાં આવી છે.

સુરતના શહેરનો રાજકીય માહોલ, ગુનેગારો અંગેની માહિતીસ્ત્રોત વિગેરે બાબતો ધ્‍યાને રાખી મહિલા ડીસીપી રૂપલ સોલંકીને બદલી બાબતે મુકત રાખવામાં આવ્‍યા છે.

સાયબર ફ્રોડ મામલે ખૂબ મહત્‍વની અને ઝડપી કામગીરી જેમના માર્ગદર્શન હેઠળ થાય છે અને દેશ વિદેશના સાયબર માફિયાઓને ઝડપવામાં જેમની કામગીરી રાજયભરમાં જાણીતી છે તેવા સુરતના એસીપી યુવરાજસિંહ ગોહિલ અને એસીપી જીતેન્‍દ્ર યાદવને મુકિત આપવામાં આવી છે.

આ ઉપરાંત સુરત રેન્‍જના એસીપી અભિજિત પરમારને પણ બદલી ન કરવાની બાબતે ગ્રાહ્ય રાખવામાં આવી છે. કેન્‍દ્રીય ચૂઁટણીપંચના સચિવ સુજીતકુમાર દ્વારા બદલીમાંથી મુકતી આપવા સાથે આ પાંચ અધિકારીઓને કોઇ જાતની ચૂંટણી ફરજ ન સોંપવા માટે ખાસ તાકીદ કરવામાં આવી છે.

(3:36 pm IST)