Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

અસંતુષ્‍ટો ન માને તો ‘ધોળા દિવસે તારા બતાડી દયોઃ છતાં ન માને તો છોડો બ્રહ્માસ્‍ત્ર

ભાજપે શરૂ કર્યુ ડેમેજ કંટ્રોલ : દિલ્‍હીથી આદેશ લઇ કમલમ પહોંચ્‍યા ગૃહમંત્રી શાહઃ બેઠકોનાં દોરઃ કડક હાથે કામ લેશે

નવી દિલ્‍હી, તા.૧૪: ટીકીટની વહેંચણીથી ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષ શરૂ થયો છે. ઘોષિત ૧૬૬માંથી ૪૦થી વધુ બેઠકો પર વિરોધનો અવાજ સંભળાવા લાગ્‍યો છે. તેમને રોકવા માટે ગળહમંત્રી અમિતભાઇ શાહે આગેવાની લીધી છે. વિધાનસભા ચૂંટણીની રણનીતિ ઘડવા શાહ આગામી ત્રણ દિવસ ગુજરાતમાં રહેશે. શાહે અસંતુષ્ટ નેતાઓના કારણે થતા નુકસાન અને ડેમેજ કંટ્રોલ કરવાની વ્‍યૂહરચના પર પણ કામ શરૂ કરી દીધું છે.

ભાજપના વરિષ્ઠ સાંસદે જણાવ્‍યું હતું કે રવિવારે સાંજે અમિતભાઇ શાહે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ચાર કલાકની ઉચ્‍ચ સ્‍તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં સીએમ ભૂપેન્‍દ્રભાઇ પટેલ, કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયા અને ચાર ઝોનના મહાસચિવોએ પણ ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે એક પછી એક નારાજગી સાથે તમામ બેઠકો પર ચર્ચા કરી. મીટીંગમાં તેમણે ગુજરાત ભાજપના નેતાઓને સ્‍પષ્ટ શબ્‍દોમાં કહ્યું કે, ‘જે લોકો નારાજ છે તે તમામ પાર્ટી અને પરિવારના છે. તેમના પર દબાણ લાવવાને બદલે સમજણ અને પ્રેમથી કામ કરો. જે લોકો સમજાવટથી સંમત ન થાય, તેમને ચૌદમું રત્‍ન બતાવવાનો દિલ્‍હીથી આદેશ છે. આ બ્રહ્માષાને જરૂર ન પડે ત્‍યાં સુધી છોડશો નહીં.

ગુજરાતમાં ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ ભાજપમાં કેટલીક બેઠકો પર બળવો થયો હતો. ટિકિટ કાપવાને કારણે ઘણા વર્તમાન ધારાસભ્‍યો અને તેમના સમર્થકો નારાજ હોવાનું કહેવાય છે. વધી રહેલા વિરોધ વચ્‍ચે શાહ રવિવારે ગાંધીનગર પહોંચ્‍યા હતા. મેરેથોન બેઠકમાં અમિત શાહે વિરોધના સૂર શાંત કરવા ઉપરાંત કઇ બેઠક પર નારાજગી ચાલી રહી છે તે સહિત અન્‍ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. મળતી માહિતી મુજબ શાહ આગામી ત્રણ દિવસ ગુજરાતમાં પ્રચાર કરશે. તેઓ ભાજપ અને સંઘના નેતાઓ સાથે પણ બેઠક કરશે. રાજ્‍યની જે બેઠકોમાં અસંતોષ વધુ છે. ત્‍યાં સમીક્ષા કરશે.

રાજ્‍યના નેતાઓની એક ટીમ અસંતુષ્ટ નેતાઓ સાથે વન ટુ વન ચર્ચા કરશે. અસંતુષ્ટ નેતાઓને ચૂંટણીમાં અલગ-અલગ વિસ્‍તારોની જવાબદારી સોંપવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે. આ સિવાય જે લોકો વધુ ગુસ્‍સે છે, આવા લોકોને સંસ્‍થા કે સરકારી કોર્પોરેશનના હોદ્દા પર એડજસ્‍ટ કરવા જેવી ફોર્મ્‍યુલા પર પણ ચર્ચા થઈ શકે છે. કહેવાય છે કે નારાજ નેતાઓને મનાવવામાં પાર્ટી સફળ નહીં થાય તો આ નેતાઓ મધ્‍ય ગુજરાતની છ, સૌરાષ્‍ટ્રની સાત અને ઉત્તર ગુજરાતની સાત બેઠકો પર પક્ષ માટે મુશ્‍કેલી ઊભી કરી શકે છે.

રવિવારે સાંજે શાહની બેઠક બાદ જામનગર ઉત્તરના વર્તમાન ધારાસભ્‍ય હકુભા જાડેજાને જામનગરની ત્રણ બેઠકોના પ્રભારી બનાવવામાં આવ્‍યા છે. ભાજપે જામ નગર ઉત્તર બેઠક પરથી રીવાબા જાડેજાને ટિકિટ આપી છે. હકુભા જાડેજા ટિકિટ ન મળતા નારાજ થયા હતા. તેથી જ તેમને પ્રભારી બનાવવામાં આવ્‍યા હોવાની ચર્ચા છે. આ ઉપરાંત વઢવાણ બેઠક પરથી ઉમેદવાર જીજ્ઞા પંડ્‍યા પણ અન્‍ય કોઈને ટિકિટ આપવાને બદલે વઢવાણ બેઠક પરથી ઉમેદવાર બદલી નાખે તેવી શકયતા છે.

(3:57 pm IST)