Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

આણંદ તાલુકાના ચિખોદરા ગામે એસઓજીએ છાપો મારી દેશી દારૂ બનાવવાની મીની ફેક્ટરી ઝડપી પાડી

આણંદ : આણંદ તાલુકાના ચીખોદરા ગામે આણંદ એસઓજી પોલીસે છાપો મારી નકલી વિદેશી દારૂ બનાવવાની મીની ફેક્ટરી ઝડપી પાડી હતી. પોલીસે સ્થળ પરથી નકલી વિદેશી દારૂ બનાવવાના કેમીકલ સહિત અન્ય સામગ્રી સાથે રૂા.૨૫ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે લઈ બે શખ્સો વિરુધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આણંદ પાસેના ચીખોદરા ગામની સીમમાંથી પસાર થતા એક્સપ્રેસ હાઈવે નજીક ઉંટીયાના વડવાળી સીમમાં રહેતા બાબુભાઈ ભીખાભાઈ તળપદા પોતાના મકાનમાં બનાવટી વિદેશી દારૂ બનાવી તેનું વેચાણ કરી રહ્યો હોવાની ગુપ્ત બાતમી આણંદ એસઓજી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે બાતમીવાળા સ્થળે ઓચિંતો છાપો મારતા બાબુભાઈ ભીખાભાઈ તળપદા મકાનમાંથી મળી આવ્યો હતો. પોલીસે મકાનની તલાશી લેતા અંદરથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડના ૮ ક્વાટરીયા અંદાજિત કિં.રૂા.૮૦૦ મળી આવ્યા હતા.  આ ઉપરાંત એક કેરબામાંથી વિદેશી બનાવવાનું કેમીકલ મળી આવ્યું હતું જેની અંદાજિત કિં.રૂા.૧૭,૫૦૦ જેટલી થવા જાય છે. સાથે સાથે દારૂની નાની-મોટી બોટલો, ઢાંકણા, આલ્કોહોલ માપવા માટેનું થર્મોમીટર પણ સ્થળ પરથી મળી આવ્યું હતું. 

(5:43 pm IST)