Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

છોટૂભાઈ વસાવાનો સમગ્ર પરિવાર આમનેસામને : ઝગડીયા સીટ પર મોટા પુત્ર સામે પિતા-ભાઇએ ઉમેદવારી નોંધાવી

ઝઘડીયા બેઠક પર છોટુભાઈ વસાવા અને એમના પુત્રો સામ સામે:છોટુભાઇ વસાવાએ અને એમના નાના પુત્ર દિલીપ વસાવાએ અપક્ષ જ્યારે ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ BTP માંથી ઉમેદવારી નોંધાવી

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવા માટે 14 મી નવેમ્બરે છેલ્લો દિવસ હતો.ખાસ કરીને છેલ્લા દિવસે આખા રાજ્યમાં સૌથી ચર્ચિત એવી ભરૂચ જીલ્લાની ઝઘડીયા બેઠક પર છોટુભાઈ વસાવા અને એમના પુત્રોએ સામ સામે ઉમેદવારી નોંધાવી છે. છોટુભાઇ વસાવાએ અને એમના નાના પુત્ર દિલીપ વસાવાએ અપક્ષ જ્યારે ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ BTP માંથી ઉમેદવારી નોંધાવી છે.

છોટુભાઇ વસાવા અને મહેશ ભાઈ વસાવાએ અલગ અલગ રીતે શક્તિ પ્રદર્શન કરી રેલી સ્વરૂપે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું.છોટુભાઈ વસાવાના નાના પુત્ર દિલીપ વસાવાએ જણાવ્યું હતું કે અહીંયા છોટુભાઇ વસાવા સિવાય કોઈ બીજું ચાલે જ નહીં, એનો મતલબ એ કાઢી શકાય કે તેઓ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લેશે.જ્યારે છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે મે કોઈ પેહલી વાર અપક્ષ ફોર્મ ભર્યું નથી અગાઉ પણ અપક્ષ ફોર્મ ભર્યું હતું અને જીત્યો હતો, આ વખતે પણ હુ જ જીતીશ.હું જ્યાં ફોર્મ ભરું ત્યાં પાર્ટી બની જાય છે.મહેશ વસાવા વિશે જણાવ્યું હતું કે બધાને ચૂંટણી લડવાનો અધિકાર છે.

જ્યારે મહેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે કોણ અપક્ષમાં ફોર્મ ભરી ગયું એની સાથે મારે કોઈ લેવા દેવા નથી, લોકશાહીમાં બધાને ફોર્મ ભરવાનો અધિકાર છે. મે જીતવા માટે ફોર્મ ભર્યું છે ચોક્કસ હું જીતીશ.હવે એક જ બેઠક પર સામ સામે ચૂંટણી લડતા પિતા પુત્ર જ્યારે પોતપોતાની જીતનો દાવો કરે છે ત્યારે જોવું એ રહ્યું કે ચૂંટણીના પરિણામ બાદ છોટુભાઈ વસાવાના પરિવારમાં કેવી સ્થિતિ પેદા થાય છે.

 નર્મદા જીલ્લાની નાંદોદ બેઠક પર ભાજપના દર્શનાબેન દેશમુખ, કોંગ્રેસનાં હરેશભાઈ વસાવા અને આમ આદમી પાર્ટીના પ્રફુલ્લ વસાવા અને ડેડીયાપાડા બેઠક માટે ભાજપના હિતેશ ભાઈ વસાવા, કોંગ્રેસનાં ઝેરમાબેન વસાવા, આમ આદમી પાર્ટીના ચૈતરભાઈ વસાવાએ પણ જંગી રેલી સ્વરૂપે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું.

 

(9:10 pm IST)