Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

મુન્દ્રાના ગુંદાલાના નર્મદા કેનાલમાં ડુબવાથી પાંચ લોકોના મોતથી અરેરાટી : ભાજપે પ્રચાર અટકાવ્યો: શક્તિસિંહે સહાયની માંગણી કરી

પરિવારની એક યુવતી પાણી ભરવા માટે કેનાલમાં ગઇ હતી અને ડુબવા લાગી હતી અને ત્યાર બાદ તેને બચાવવા જતા પરિવારના અન્ય 4 સભ્યો પણ ડુબી ગયા

અમદાવાદ :ગુજરાતમાં ચુંટણીનો માહોલ જામ્યો છે અને કચ્છમાં પણ મુખ્યમંત્રીની ઉપસ્થિતી વચ્ચે મુન્દ્રા અને નલિયામાં પ્રચાર અભિયાનનો પ્રારંભ કરાયો હતો,તે વચ્ચે મુન્દ્રાના ગુંદાલા નજીક બનેલી એક ધટનાએ કચ્છ સહિત સમગ્રુ ગુજરાતમાં અરેરાટી ફેલાવી છે આજે મુન્દ્રાના સાડાઉ ગામના અને ગુંદાલા વાડીમાં રહેતા એકજ પરિવારના 5 સભ્યોના નર્મદા કેનાલમાં ડુબી જવાથી મોત થઇ ગયા છે.

  મોડી સાંજે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર કચ્છમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આજે સાંજે વાડી તરફ જઇ રહેલો પરિવારની એક યુવતી પાણી ભરવા માટે કેનાલમાં ગઇ હતી અને ડુબવા લાગી હતી અને ત્યાર બાદ તેને બચાવવા જતા પરિવારના અન્ય 4 સભ્યો પણ ડુબી ગયા હતા. લાંબી મહેનત બાદ તમામ મૃતદેહને  બહાર કાઢી લેવાયા છે. અને પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. સુરક્ષા વગરની ખુલ્લી કેનાલમાં ડુબી જવાની ધટનામાં બેદરકારી અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે

આ ઘટનાની જાણ થતા પોલીસ તથા બચાવ કાર્ય ટીમ સાથે રાજકીય સામાજીક આગેવાનો પણ પ્રચાર વચ્ચે ત્યા દોડી ગયા હતા. ભાજપના મહામંત્રી અને વર્તમાન માંડવી બેઠકના ઉમેદવાર અનિરૂધ્ધ દવે એ પ્રવાસ સ્થગીત કરી ધટના સ્થળે દોડી ગયા હતા અને બચાવકાર્યમાં જોડાયા હતા. તો ત્યાર બાદ હોસ્પિટલમાં પણ પરિવારના દુખમાં સહભાગી થયા હતા. તો બીજી તરફ કોગ્રેસના રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરી ધટના અંગે દુખ વ્યક્ત કર્યુ હતુ અને સરકાર તથા મુખ્યમંત્રીને ત્વરીત સહાય આપવા માટેની માંગ કરી હતી.

મૃતકોમાં કલ્યાણ દામજી સથવારા,લીલાબેન કલ્યાણ સથવારા,રાજુ ખીમાભાઇ સથવારા, સવિતાબેન રાજુભાઇ સથવારા તથા રસિલા દામજી સથવારાનો સમાવેશ થાય છે. મૃત્કોમાં એક કિશોરી બે યુવતી અને બે યુવકોનો સમાવેશ થાય છે. કાલે તમામની અંતિમવિધિ થશે કચ્છમાં ઘટનાથી શોક ફેલાયો છે.

(11:58 pm IST)