Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી મહિલાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો :ચકચાર

વ્યાજખોરોએ 7 લાખની માગ કરીને મહિલાને મારી નાખવાની પણ ધમકી આપી : વટવા GIDC પોલીસે 4 શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો

અમદાવાદમાં વ્યાજખોરો જાણે લૂંટારુ બન્યા હોય તેમ અવારનવાર ફરિયાદ ઉઠી રહી છે. પોલીસનો જાણે ડર જ ન હોય તેમ આ શખ્સો મન ફાવે તેમ વ્યાજ વસુલી લેણદારોની હાલત ખરાબ કરી નાંખે છે. તેવામાં આજે અમદાવાદમાં વ્યંજકવાદીઓના ત્રાસથી મહિલાએ ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર મચી જવા પામી હતી. વટવા GIDC વિસ્તારમાં રહેતી મહિલાની માતા બીમાર થતાં રૂપિયાની જરૂરીયાત ઊભી થઇ હતી જેને લઈને મહિલાએ પોતાના માતાની બિમારી સમયે 7 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. 7 ટકા જેટલા ચામડાતોડ વ્યાજે રૂપિયા લીધા હતા. ત્યારબાદ મહીલાએ સમયાંતરે આ નાણા આરોપીઓને પરત ચૂકવી દીધા હતા. 

મહિલાએ વ્યાજ સહિતની ઊછીની લીધેલી રકમ પરત આપી દીધી હોવા છતાં આરોપીઓએ રૂપિયાની ઉઘરાણી ચાલુ રાખી હતી. એટલુ જ નહી ધનલાલચુ વ્યાજખોરોએ 7 લાખની માગ કરીને મહિલાને મારી નાખવાની પણ ધમકી આપી હોવાનું પોલીસ નિવેદનમાં જાહેર થવા પામ્યું હતું. અંતે વ્યાજખોરોના ત્રાસથી કાંટાળી જઈ મહિલાએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. મહિલાએ મોત વ્હાલુ કરી લેવાનો પ્રયાસ કરી લેતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલ બિછાને મહિલાએ 4 શખ્સો સામે ફરિયાદ કરતાં વટવા GIDC પોલીસે 4 શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(12:18 am IST)