Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૨ તાલુકામાં વરસાદ વરસ્‍યોઃ સૌથી વધુ ખંભાળીયામાં પોણા ઈંચ

વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ : આજે સૌરાષ્‍ટ્ર- ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશેઃ હવામાન ખાતુ


રાજકોટઃ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે. હવામાન વિભાગે જણાવ્‍યું છે કે, આજે રાજ્‍યમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, તાપી અને નવસારી અને મધ્‍ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, આણંદ અને વડોદરામાં પણ વરસાદની આગાહી કરાઇ છે.
રાજ્‍યમાં અત્‍યાર સુધીમાં રાજ્‍યના ૧૦૯ તાલુકામાં વરસાદ વરસ્‍યો છે. રાજ્‍યમાં છેલ્લાં ૨૪ કલાકમાં ૨૨ તાલુકામાં વરસાદ વરસ્‍યો છે. જેમાં સૌથી વધારે ખંભાળિયામાં પોણા ૩ ઈંચ વરસાદ ખાબકયો છે. જ્‍યારે કાલાવડમાં ૨.૫ ઈંચ, મુળીમાં ૧ ઈંચ વરસાદ, પડધરીમાં ૧ ઈંચ, રાજકોટમાં ૧ ઈંચ વરસાદ, સાયલામાં અડધો ઈંચ અને ધંધુકામાં અડધો ઈંચ વરસાદ વરસ્‍યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં ગઇકાલે સાંજ બાદ વાતાવરણ પલટાયું હતું. જેમાં માત્ર અડધો કલાકમાં જ ૨ ઈંચ વરસાદ ખાબકયો હતો. જેમાં કાલાવડ રોડ, મવડી રોડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ પર પાણી ભરાઇ ગયા હતાં. તદુપરાંત મહિલા કોલેજ અન્‍ડરબ્રિજ, કિસાનપરા ચોક, કાલાવડ રોડ, ગોંડલ રોડ પર પાણી જમા થતાં તંત્રની પ્રિમોન્‍સુન કામગીરી ધોવાઈ ગઈ હતી. સાથે જ રાજકોટના ગ્રામ્‍ય વિસ્‍તારમાં પણ પહેલો વરસાદ વાવણી લાયક પડતાં ભારે ખુશી જોવા મળી હતી. તો રાજકોટ વાસીઓને ભારે બફારામાંથી મુક્‍તિ મળી હતી. શહેરના અનેક વિસ્‍તારમાં પાણી દોઢ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા.
હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે સૌરાષ્‍ટ્રમાં બે દિવસ વરસાદ પડશે. હાલ એક વરસાદી સિસ્‍ટમ્‍સ રાજ્‍યમાં સક્રિય છે. ૧૬ અને ૧૭ તારીખે વરસાદની આગાહી કરાઇ છે. અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્‍ચે થંડરસ્‍ટોર્મ એક્‍ટિવિટી જોવા મળશે. રાહતની વાત એ છે કે નિયત સમય મુજબ ગુજરાતમાં વરસાદની પધરામણી થઈ ચૂકી છે. જો આગાહી મુજબ ગુજરાતમાં સારો વરસાદ વરસે તો પ્રથમ વરસાદે જ ખેડૂતો વાવણી કરી શકશે.

 

(11:08 am IST)