Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

અમદાવાદ-ઇન્દોર હાઇવે પર આવેલ મુવાળા ચેકપોસ્ટ પાસે મકાઈના પૂળા ભરેલ ટ્રકમાં આગ ભભુકતા અફડાતફડી મચી જવા પામી

સેવાલિયા : અત્યંત વ્યસ્ત એવા અમદાવાદ-ઇન્દોર હાઇવે ઉપર આવેલી મુવાળા ચેકપોસ્ટ પાસે મકાઈના પૂળા અને ભૂસું ભરેલી ટ્રકમાં એકાએક આગ ફાટી નિકળતા અફરાતફરી મચી હતી. ચાલુ વાહને આગ લાગી હોવાની જાણ થતાં ટ્રક ડ્રાઇવરે વાહન રસ્તાની સાઇડમાં ઉભુ રાખીને બહાર નિકળી ગયો હતો. 

અમદાવાદ-ઇન્દોર હાઇવે ઉપર આવેલા મહારાજના મુવાળા ચેકપોસ્ટ અને મહીસાગર નદી પાસે એક ટ્રકમાં મકાઈના પૂળા, ભુસુ  ભરીને બાલાસિનોર રોડ તરફ જતા હતા તે દરમિયાન અચાનક કોઈ કારણસર ટ્રકમાં આગ લાગી હતી. ટ્રકમાં એકાએક આગ લાગતા તેમાં ભરેલા મકાઈના પુળાને લીધે આગ વિકરાળ બની હતી. વાહનમાં આગ લાગવાની જાણ થતાં ડ્રાયવરે  ટ્રકને સાઈડમાં મૂકીને બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો. મકાઈના પૂળાને લીધે આખો ટ્રક બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ સેવાલીયા પોલીસ અને ફાયર બ્રિગેડને થતા ઘટનાસ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ ટ્રક અને ટ્રકમાં ભરેલો સમાન બળીને ખાખ થઈ જતા નુકશાન થયું હતું.

(6:28 pm IST)