Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

નાંદોદ તાલુકાના ધાનપોર ગામના ખેડૂત કિશાન સમ્માન નિધિ અંતર્ગત સહાય મેળવી પરંપરાગત ખેતી છોડી કેળની ખેતી તરફ વળ્યાં

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે અમલી બનાવાયેલી કિશાન સમ્માનનિધિ યોજના સાચા અર્થમાં સાકાર થઈ રહી છે. આ યોજના થકી આર્થિક સહાય મેળવી ખેડૂતો પોતાની ખેતીમાં ખાતર-બિયારણની ખરીદી કરી આર્થિક બચત સાથે ખેતી પાકમાં સારું ઉત્પાદન મેળવી આર્થિક સમૃદ્ધિ કેળવી રહ્યાં છે.
નાંદોદ તાલુકાના ધાનપોર ગામના ખેડૂત નિકુંજભાઇ પટેલ એક સમયે કપાસની ખેતી કરતા હતા. કારણ કે તેમની પાસે જમીન તો હતી પણ ખાતર-બિયારણની ખરીદી સમયે નાણાંકીય તકલીફોનો સામનો કરવો પડતો હતો. જેના કારણે તેઓ પરંપરાગત ખેતી કરતાં હતા અને કેળા, શેરડી જેવી લાંબી ખેતી કરી શકતા નહોતા. ત્યારબાદ કિશાન સમ્માન નિધિ યોજનાનો લાભ મળતા હવે તેઓ કેળાની ખેતી કરતા થયા છે. માત્ર એટલું જ નહીં, સરકાર દ્વારા ખેડૂતોને અપાતી નાણાંકીય સહાય તેમને ખેતી ખર્ચમાં પૂરક સાબિત થઈ રહી છે.
આ અંગે નિકુંજભાઈ પ્રવીણભાઈ પટેલ જણાવી રહ્યાં છે કે, અગાઉ અમે ટૂંકા ગાળાની ખેતી કરતા હતા. કારણકે, બજારમાંથી બિયારણની ખરીદી કરવા માટે અમારી પાસે પૂરતી નાણાંકીય સગવડ નહોતી. પરંતુ વર્ષ ૨૦૧૮માં અમારા ગામના તલાટી અને સરપંચ એ સર્વે કર્યો. જે બાદ અમને કિશાન સમ્માન નિધી યોજનામાં સમાવવામાં આવ્યા. જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા દર ચાર મહિને આપવામાં આવતી રૂપિયા ૨૦૦૦/-ની આર્થિક સહાય અમને સીધી જ બેન્ક ખાતામાં મળવા લાગી.
વધુમાં નિકુંજ પટેલે કહ્યું કે, અત્યાર સુધી અમને ૧૧ હપ્તાની રકમ મળી ચૂકી છે. કુલ રૂપિયા ૨૨૦૦૦/-ની સહાય સરકાર દ્વારા આપવામાં આવતાં આજે અમારી ખેતી પદ્ધતિમાં પણ ફેરફાર આવ્યો છે. પહેલા અમે માત્ર કપાસ-તૂવેરની ખેતી કરતા હતા. હવે અમે કેળનાં ટીસ્યુ ખરીદવા માટે સક્ષમ બનતા તેમજ સરકાર દ્વારા આપવામાં આવતી સહાય ખાતર-દવાની ખરીદીમાં પૂરક સાબિત થતાં નવી ખેતી તરફ વળ્યાં. છેલ્લા ત્રણ વર્ષથી અમારી ખેતીમાં ઘણું પરિવર્તન આવ્યું છે. અમે લાંબા ગાળાની ખેતી કરતા તેમાંથી તૈયાર થયેલા પાકનું માર્કેટમાં સારું એવું વળતર મળતા અમારા પરિવારની આર્થિક સમૃદ્ધિ પણ વધી છે. જેનાથી અમે ખેતી કામ માટેના ઓજારો, ટ્રેક્ટર વગેરેની ખરીદી કરી વધુ સારી રીતે ખેતી કરતા થયા છીએ. ગામના અન્ય ખેડૂતો પણ અમારી ખેતી જોઈને સરકારી સહાય મેળવવા માટે પ્રેરિત થયા છે. સરકાર દ્વારા આપવામાં આવતી આર્થિક સહાય સાચા અર્થમાં ખેડૂતો માટે ખેતી ખર્ચમાં પૂરક સાબિત થઈ હોવાનું નિકુંજ પટેલે ઉમેર્યું હતું.

(11:06 pm IST)