Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

સુરતની વિધવા મહિલા સાથે લગ્નના નામે યુવકની છેતરપીંડીઃ 13 તોલા સોનાના દાગીના અને 10.30 લાખ પડાવી લેતા પોલીસ ફરિયાદ

પોલીસે મોરબીના મહેશ ગોસ્‍વામીને ઝડપી લીધો

સુરતઃ સુરતમાં મહિલા સાથે છેતરપીંડી કરનાર મોરબીના શખ્‍સ મહેશ ગોસ્‍વામીને પોલીસે ઝડપી લીધો છે.

આજકાલ દરેક બીજી વ્યક્તિ વિદેશમાં સેટલ્ટ થવાના ખ્વાબ જોતી હોય છે. તેમાં પણ ખાસ કરીને મહિલાઓ વિદેશમાં લગ્ન કરીને વસવાના સપના વધુ જોતી હોય છે. આવામાં સુરતની એક વિધવા મહિલા લંડનમાં લગ્ન કરવાના ચક્કરમાં ખરાબ રીતે છેતરાઈ હતી. ઇન્સ્ટાગ્રામ ઉપર 56 વર્ષીય વિધવાને લંડનના યુવક સાથે પ્રેમ થયો અને લગ્નની લ્હાયમાં મહિલાએ 12 લાખ રૂપિયા ગુમાવ્યા છે. યુવાને પોતાનો લંડન માં શો રૂમ હોવાનું કહ્યું હતું. તેણે લગ્ન કરી લંડન લઈ જવાનું કહ્યું હતું. ત્યારે સાયબર ક્રાઈમ પોલીસે મોરબીથી આરોપી મહેશ ગોસ્વામીની ધરપકડ કરી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના નાના વરાછામાં 56 વર્ષીય વિધવા મહિલા રહે છે. તે ઈન્સ્ટાગ્રામથી એક યુવકના સંપર્કમાં આવી હતી. જેણે પોતાનું નામ આશિષ પટેલ હોવાનું અને તે લંડનમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. આશિષ પટેલે વિધવા માહિલાને જણાવ્યુ હતું કે,  તમે વિધવા છો અને હું એકલો છું, તો આપણે જીવનસાથી બની જઈએ. મારી રેમન્ડ કંપનીની શોપ છે તેમજ રાજકોટમાં જમીન-ફાર્મ છે. હું તને લંડન લઈ જઈશ.

બાદ વિધવા મહિલા વિદેશ જવાના ખ્વાબ જોવા લાગી હતી. જેના બાદ યુવકે મહિલાને ફસાવી હતી. ગઠિયાએ વિધવાને પાસપોર્ટ અને વિઝાના નામે પ્રોસેસ કરાવવા માટે રૂપિયાની માંગણી કરી હતી. યુવકે મહિલાને કહ્યું કે, રાજકોટમાં મારી જમીનનું કામ કરતા મહેશ ગોસ્વામીને આંગડિયામાં રૂપિયા મોકલી આપ, તે મને મોકલી દેશે. બાદ મહિલાએ 5.15 લાખ રૂપિયા બે વાર મોકલ્યા હતા. બાદ યુવક મહિલાના ભોળપણને સમજી ગયો હતો. જેના બાદ તેણે મહિલાને વિશ્વાસમાં લઈને કહ્યું કે, વિમાનમાં સોનાના દાગીના લાવી શકાશે નહિ. આથી તમે દાગીના પણ મહેશને આપી દો.

આમ, વિશ્વાસમાં આવીને મહિલાએ પોતાના 13 તોલાના સોનાના દાગીના મહેશને આપ્યા હતા. બાદ યુવકે મહિલા સાથે વાત કરવાનું ઓછું કરી દીધું હતું. મહિલાએ તેને લંડન જવા વિશે પૂછ્યુ તો તે ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો. પોતે છેતરાઈ હોવાની જાણ થતા વિધવાએ પરિવારને જાણ કરી હતી. જેના બાદ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. બાદ પોલીસે સાયબર ક્રાઈમનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે મોરબીનો મહેશ ગોસ્વામી ઝડપી પાડ્યો હતો. 

(5:09 pm IST)