Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

રાજપીપળા નગરપાલીકા દ્વારા 8 કરોડના ખર્ચે જીલ્લા કક્ષાનું અત્યાધુનિક ફાયર સ્ટેશન બનાવાશે

રાજપીપલા પાલીકા સભાખંડમાં મળેલી બોર્ડ મિટિંગમાં વર્ષ 2023- 24 માટે 24 કરોડના પુરાંત વાળુ બજેટ સર્વાનુમતતે મંજુર

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા નગર પાલીકા સભાખંડમાં પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહીલની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી.જેમાં મુખ્ય અધિકારી રાહુલ ઢોડીયા, પાલિકાના ચૂંટાયેલાં સભ્યો સહિત અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા .રાજપીપલા પાલીકા સભાખંડમાં મળેલી બોર્ડ મિટિંગમાં વર્ષ 2023- 24 માટે 91 કરોડની અંદાજીત આવક અને 67 કરોડનાં અંદાજીત ખર્ચ સાથે 24 કરોડના પુરાંત વાળુ બજેટ સર્વાનુમત્તે મંજુર કરવામાં આવ્યું હતું.

  આ સામાન્ય સભામાં રાજપીપળા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહીલે જણાવ્યું હતું કે આગામી સમયમાં રાજપીપળા નગરપાલીકા દ્વારા 7 થી 8 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓ સાથેનું જીલ્લા કક્ષાનુ ફાયર સ્ટેશન બનાવાશે.રાજપીપળા ગાર્ડનમાં આડેધડ વાહન પાર્કિંગ મુદ્દે જણાવ્યું હતું કે જે લોકો પોતાના વાહનો ગાર્ડન અને કોમ્પલેક્ષમાં પાર્ક કરી નોકરી માટે અથવા અન્ય કામો માટે જતાં રહે છે એમણે હવે પાલીકાને પાર્કિંગ ચાર્જ ચુકવવો પડશે, 12 કલાક માટે 2 વ્હીલના 10 રૂપિયા અને 4 વ્હીલના 20 રૂપિયા ચુકવવા પડશે.જે લોકો ગાર્ડનમાં ફરવા અને સવારે સાંજે વોકિંગ માટે આવે છે એમને વાહન પાર્કિંગનો કોઈ ચાર્જ આપવો પડશે નહિ.
આ સભામાં પાલિકાના ચુંટાયેલા સભ્યો સાથે કર્મચારીઓ યોગ્ય વર્તન ન કરતા હોવાનો મુદ્દો ભાજપના સભ્ય ગિરિરાજસિંહ ખેરે ઉઠાવતા સભ્યો સાથે કર્મચારીઓ યોગ્ય વર્તન કરે એવી સુચના આપવા પ્રમુખ કુલદીપસિંહ મુખ્ય અધિકારી રાહુલ ઢોડીયાને જણાવ્યું હતું.સરકારે નવા બી.પી.એલ કાર્ડ કાઢવાના બંધ કર્યાં છે, જેથી સરકારી સહાય મેળવવા માટે ઘણા લોકો વંચિત રહી જાય છે.એટલે સરકારી સહાય મેળવવા જેની પાસે બી.પી.એલ કાર્ડ ન હોય એવા લોકો માટે અન્ય ડોક્યુમેન્ટ વેલિડ રાખવા માટે પાલિકા એક ઠરાવ કરી સરકારમાં રજુઆત પણ કરશે.રોજમદારોના જી.પી.એફ, ગ્રેજ્યુઈટી, વિમાના નાણાં યોગ્ય સમયે મળે અને સફાઈ કર્મીઓની ભરતી થઈ હોવા છતાં એમને આજદીન સુધી કોલ લેટર મળ્યો ન હોવાનો મુદ્દો પાલિકાના ભાજપના સભ્ય પ્રજ્ઞેશ રામીએ ઉઠાવતા એ બાબતે પણ યોગ્ય કાર્યવાહી કરવા પ્રમુખ કુલદીપસિંહ ગોહીલે ખાતરી આપી હતી.

   
(10:33 pm IST)