Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

નરેન્‍દ્રભાઇના હસ્‍તે વડોદરામાં ૧.૪૧ લાખ આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમ અંતર્ગત શનિવારે : રાજ્‍યમાં અત્‍યાર સુધીમાં ગ્રામીણ વિસ્‍તારોમાં ૩.૭૨ લાખ અને શહેરી વિસ્‍તારોમાં ૬.૨૪ લાખ આવાસોનું નિર્માણ

અમદાવાદ તા. ૧૬ : શનિવાર તા. ૧૮ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદી ગુજરાત આવી રહ્યા છે ત્‍યારે તેઓ વડોદરા ખાતે રૂ. ૨૧ હજાર કરોડથી વધુના વિવિધ વિભાગના પ્રકલ્‍પોનું અનાવરણ, ખાતમુહુર્ત અને ઈ-લોકાર્પણ કરશે. આ કાર્યક્રમ દરમિયાન રાજયના ગરીબ અને મધ્‍યમ વર્ગના પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલી ‘પ્રધાનમંત્રી આવાસ યોજના' અંતર્ગત શહેરી અને ગ્રામીણ વિસ્‍તારના નાગરિકો માટે કુલ ૧.૪૧ લાખ આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વડાપ્રધાનના હસ્‍તે કરવામાં આવશે.

ગુજરાતના ૩૩ જિલ્લાઓના ગ્રામીણ ક્ષેત્રોમાં ૧ લાખ આવાસોનું લોકાર્પણ તેમજ શહેરી ક્ષેત્રોમાં ૪૧ હજાર આવાસોમાંથી ૩૮,૦૭૧નું લોકાર્પણ અને ૨,૯૯૯ ઘરોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

રાજયમાં અત્‍યારસુધીમાં ગ્રામીણ વિસ્‍તારોમાં ૩ લાખ ૭૨ હજાર ૮૬૫ આવાસોનું નિર્માણ કરવામાં આવ્‍યું છે જે પૈકી ૧૪ આદિવાસી જીલ્લાઓમાં જ સૌથી વધુ ૨ લાખ ૯૩ હજાર આવાસોનું નિર્માણ કરવામાં આવ્‍યું છે. કોરોનાની મહામારી તેમજ ચોમાસાના કારણે વિલંબ થયા બાદ એક માસના ટુંકા ગાળામાં અન્‍ય એક લાખ જેટલા આવાસોને મંજૂરી આપવામાં આવી છે.ᅠ

સાથે સાથે આ કામગીરીનું સઘન મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે અને તેના પરિણામે છેલ્લા થોડાક જ માસમાં ૯૦ હજારથી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્‍યું છે. સાથે જ શહેરી વિસ્‍તારોમાં ૬.૨૪ લાખ આવાસો બનાવવામાં આવ્‍યા છે.ગુજરાતના શહેરો અને ગામડાઓને ઝૂંપડપટ્ટીમાંથી મુક્‍ત કરવા અને શહેરી વિસ્‍તારમાં વસતા ગરીબ અને મધ્‍યમવર્ગીય પરિવારોને વ્‍યાજબી કિંમતે આવાસ પૂરા પાડી શકાય તેવા ઉમદા હેતુ સાથે તા.૨૫ જૂન, ૨૦૧૫ના રોજ રાજય સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અમલમાં મૂકવામાં આવી હતી.

ત્‍યારબાદ, રાજયના ગ્રામીણ વિસ્‍તારના કુટુંબોને પોતાના સ્‍વપ્‍નનું ઘર મળે અને તેમનું જીવનધોરણ ઊંચું આવે તેવા ઉદ્દેશથી તા. ૨૦ નવેમ્‍બર, ૨૦૧૬ના રોજ ગુજરાત સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અમલી બનાવવામાં આવી હતી. આજે રાજયના લાખો પરિવારો એવા છે કે જેઓ પ્રધાનમંત્રી આવાસ યોજનાના કારણે પોતાના ઘરમાં રહેવાનું સુખ માણી રહ્યા છે.

(3:53 pm IST)