Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં ગાયના પેટમાંથી 30 કિલો પ્લાસ્ટિક નીકળતા અરેરાટી મચી જવા પામી

આણંદ : આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના પણસોરા ગામના એક પશુપાલકની ગાયની તબિયત લથડતા અમૂલ ડેરીના તબીબ દ્વારા શસ્ત્રક્રિયા કરી ગાયના પેટમાંથી ત્રીસેક કિલો પ્લાસ્ટીક સહિતની વિવિધ ચીજવસ્તુઓ કાઢી ગાયને નવજીવન બક્ષવામાં આવ્યું હતું.

વધુમાં મળતી માહિતી મુજબ ઉમરેઠ તાલુકાના પણસોરા ગામના મહાદેવ મંદિરના મહારાજની ગાય છેલ્લા દસેક દિવસથી કંઈપણ ખાતી નહતી અને વારંવાર ગેસ થતો હોવાથી  તેમણે અમૂલમાં વીઝીટ કરાવી હતી. અમૂલના ડોક્ટર મોહસીન વ્હોરાએ મેટલ ડિટેક્ટર વડે ચેક કરતા ગાયના પેટમાં મેટલ પોઝીટીવ આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ગાયના પેટમાં રહેલ મેટલની ચીજવસ્તુઓ બહાર કાઢવા શક્રિયા કરવાનું આયોજન કરાયું હતું. આ શસ્ત્રક્રિયા પૂર્ણ કરવામાં ત્રણ કલાકથી વધુ સમય લાગ્યો હતો. ગાયની હોજરીમાં ખોરાકથી વધારે પ્લાસ્ટીક હોઈ આ શસ્ત્રક્રિયા ખૂબજ જટીલ હતી. દરમ્યાન અમૂલના તબીબોની ટીમ દ્વારા હોજરીના નીચેના ભાગમાંથી લગભગ ત્રીસેક કિલો પ્લાસ્ટીક, લોખંડના તાર, ખીલ્લી, હેર પીન, સેફ્ટી પીન, ચલણી સિક્કો તથા લોખંડના નાનાં નાનાં ટુકડા કાઢી ગાયને પીડામાંથી મુક્તિ આપવામાં આવી હતી.

વધુમાં તબીબના જણાવ્યા મુજબ પશુપાલકો પશુઓને ખુલ્લામાં ચરવા માટે છોડતા હોય છે તેથી પશુઓ ભૂલથી કચરા તથા શાકભાજી સાથે પ્લાસ્ટીકની કોથળીઓ આરોગતા હોય છે. 

(5:03 pm IST)