Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

ઠંડીથી મળશે રાહત : આજથી તાપમાન વધવાની શક્યતા

ચાર દિવસ બાદ માવઠાની આગાહી : નલિયામાં પારો ગગડીને ૪.૨ ડિગ્રીએ પહોંચ્યો હતો

અમદાવાદ, તા.૧૬ : ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી પવન સાથે હાડ થિજવતી ઠંડી પડી રહી છે. ગત ૯ જાન્યુઆરીથી આજદિન સુધી રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો ૧૦ ડિગ્રીથી નીચે નોંધાયો છે. શનિવારે પણ અમદાવાદ સહિત રાજ્યના ૯ શહેરનું તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. જ્યારે કચ્છના નલિયામાં તાપમાનનો પારો ગગડીને ૪.૨ ડિગ્રીએ પહોંચી ગયો હતો. ત્યારે ગુજરાતીઓ માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યવાસીઓને આજથી મળશે ઠંડીમાંથી રાહત મળવાની છે. અનેક વિસ્તારોમાં ૨થી ૪ ડિગ્રી તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ અનુમાન લગાવ્યુ છે કે, રાજ્યમાં ૨૦થી ૨૨ તારીખના રોજ વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. રાજ્યના અમૂક વિસ્તારમાં માવઠું થવાની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, શનિવારે અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન ૯.૬ ડિગ્રી નોંધાયુ હતુ. આ સાથે પાટનગર ગાંધીનગરમાં પારો ૭.૩ ડિગ્રીએ પહોંચતાં લોકો ઠુંઠવાયા હતાં. આ ઉપરાંત કેશોદ- ૮.૭, ડીસા- ૯.૨ અમદાવાદ અને ભુજ ૯.૬, કંડલા એરપોર્ટ- ૯.૭, રાજકોટ- ૯.૮ તેમજ સુરેન્દ્રનગરમાં ૧૦.૦ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત રાજ્યના તમામ શહેરોમાં ઠંડીનો પારો ૧૧થી ૧૬ ડીગ્રી વચ્ચે નોંધાતાં ઠંડીનું જોર યથાવત્ રહ્યું હતું.અંબાલાલ પટેલના દાવા પ્રમાણે, રાજયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ૧૮ જાન્યુઆરી, ૧૯ જાન્યુઆરી અને ૨૦ જાન્યુઆરીએ રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે. જેના કારણે રવિ પાકને વ્યાપક નુકસાન થવાની ભીતી છે. એટલું જ નહીં,

અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે, ફેબ્રુઆરીમાં પણ માવઠાની શક્યતા રહેલી છે. આ સાથે હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરી છે.

(9:30 pm IST)