Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

ગાંધીનગરના ચરેડી નજીક આધેડને અજાણ્યા વાહનચાલકે હડફેટે લેતા સારવાર દરમ્યાન મોત નિપજતા વાહનચાલક વિરુદ્ધ ગુનો દાખલ

ગાંધીનગર:શહેરના પહોળા રાજમાર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ચરેડી પાસે ગત ગુરૃવારની સાંજે બાઈક લઈને જઈ રહેલા પેથાપુરના આધેડને અજાણ્યો વાહનચાલક અડફેટે લઈને ફરાર થઈ ગયો હતો. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગરથી અમદાવાદ સિવિલ લઈ જવાયા હતા. જયાં  તેમનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. આ ઘટના અંગે સે-ર૧ પોલીસે ગુનો દાખલ કરીને ફરાર વાહનચાલકને પકડવા દોડધામ શરૃ કરી છે.   ગાંધીનગરમાં અકસ્માતના બનાવોની સાથે હીટ એન્ડ રનની ઘટનાઓમાં પણ સતત વધારો થઈ રહયો છે. ત્યારે આ સ્થિતિમાં અકસ્માત સર્જીને ફરાર થઈ જતાં આવા વાહનચાલકો પકડમાં આવતાં નથી અને દિનપ્રતિદિન આવા બનાવો બનતાં જ રહે છે. ત્યારે ચરેડી પાસે વધુ એક હીટ એન્ડ રનની ઘટનામાં પેથાપુરના બાઈકસવારનું મોત નીપજયું છે. આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે પેથાપુર ખાતે શિવધારા સોસાયટીમાં પ્લોટ નં.૧૯ ખાતે રહેતા અને સિકયોરીટી કંપનીમાં કામ કરતાં પ૪ વર્ષીય દીલીપસિંહ રામસિંહ ગોહીલ ગત ગુરૃવારે તેમનું બાઈક નં.જીજે-૧૮-સીબી-૫૧૭૮ લઈને ચરેડી પાસેથી પસાર થઈ રહયા હતા તે દરમ્યાન અજાણ્યા વાહને તેમને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જી વાહનચાલક ફરાર થઈ ગયો હતો અને ગંભીર રીતે ઘવાયેલા દીલીપસિંહને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા. જયાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ લઈ જવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું. આ ઘટના અંગે સે-ર૧ પોલીસે તેમના પુત્ર કુલદીપસીંહની ફરિયાદના આધારે અજાણ્યા વાહનચાલક સામે ગુનો દાખલ કરીને તેને પકડવા માટે દોડધામ શરૃ કરી છે.

(5:53 pm IST)