Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

કેમેરા મૂકી મારી અને પત્નીના અંગત પળોનો વીડિયો વાયરલ કરતા આત્મહત્યા : પોલીસ જવાનની સ્યુસાઇટ નોટમાં ખુલાસો

મૂળીના સરાગામમાં રહેતા અને ગાંધીનગર સીઆઇડી આઇબીમાં ફરજ બજાવતા પોલીસ જવાનની આત્મહત્યા કેસમાં ચોંકાવનારો વળાંક

અમદાવાદ :મૂળી તાલુકાના સરાગામમાં રહેતા અને હાલ ગાંધીનગર સીઆઇડી આઇબીમાં ફરજ બજાવતા પોલીસ જવાને સરા ખાતે આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ થયો હતો. ત્યારબાદ મૃતકે લખેલી સ્યુસાઇડનોટ સામે આવતા આત્મહત્યા કેસમાં ચોકાવનારો વળાંક આવ્યો છે. દેશના પીએમ નરેન્દ્રમોદીને સંબોધીને લખેલી સુસાઇડ નોટમાં પોતાના ઘરમાં સીસીટીવી ગોઠવીને પતિ અને પત્નીની અંગત પળોનો વીડિયો ઉતારી તેને સોશિયલ મીડિયામાં ફરતો કરવામાં આવ્યો હોઈ, પોતે આત્મહત્યા કરી હોવાનું સુસાઇડ નોટમાં લખી હતી.

પોલીસ ખાતાની નોકરી કરવી તે દિવસે ને દિવસે વિકટ બનતી જઇ રહી છે. ત્યારે સરામાં રહેતા અને ગાંધીનગર ખાતે આઇબીમાં ફરજ બજાવતા દીપકસિંહ નરેન્દ્રસિંહ પરમાર નામના પોલીસ જવાને તા. 9 જાન્યુઆરીએ સરા ખાતેના નિવાસ સ્થાને આત્મહત્યા કરી લીધી હતી. તેમના મૃતદેહને પીએમ માટે સુરેન્દ્રનગર લાવવામાં આવ્યો હતો. ત્યારે તેમને પિતાએ જણાવ્યું હતું કે દિકરાને નોકરીમાં મુશ્કેલી હોવાનો ફોન આવ્યો હતો. આથી તેઓ ગાંધીનગર જઇને પુત્રને સરા લઇ આવ્યા હતા.

આ બનાવમાં દીપકસિંહનું અકસ્માતે મોત થયા અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ત્યાર બાદ રવિવારે દીપકસિંહ પરમારે આત્મહત્યા કરતાં પહેલાં લખેલી સુસાઇડ નોટ પોલીસની સામે આવી હતી, જેમાં તેમણે કેટલાક ચોંકાવનારા ખુલાસા કરીને પોતે કરેલી આત્મહત્યાનું કારણ બતાવ્યું છે, જેમાં ખાસ કરીને પોતાની અને પત્નીની અંગત સમયનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો કર્યો હતો.આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે. આ સાથે આઇબીમાં જ ફરજ બજાવતા ડી.કે.રાણા, ભારતીબેન અને એ.આઇ.ઓ. નિષાનાં નામનો ઉલ્લેખ કર્યો છે. તેમના ત્રાસને કારણે આ અંતિમ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના આધારે મૂળી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

(11:50 pm IST)