Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

ગાંધીનગરના સે-23માં અજાણ્યા વાહનની હડફેટે જીસીઈઆરટીના વૃદ્ધ કર્મચારીનું મોત

ગાંધીનગર : ગાંધીનગર શહેરના સે-ર૩માં રહેતા અને જીસીઈઆરટીમાં ફરજ બજાવતાં વૃધ્ધ કર્મચારી મિત્રના મોપેડ ઉપર ઘરે જઈ રહયા હતા ત્યારે અજાણ્યા વાહને મોપેડને અડફેટે લેતાં ઘાયલ થયા હતા. જો કે ઘરે પહોંચ્યા બાદ ઘાયલ વૃધ્ધને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમનું આજે બપોરે મોત નીપજયું હતું.

આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે સે-ર૩માં ર૯/૭, છ-ટાઈપ વસાહતમાં રહેતાં હરેશ દીલીપભાઈ બલાતે ફરિયાદ નોંધાવી હતી કે તેમના પિતા પ૭ વર્ષીય દીલીપભાઈ જીસીઈઆરટીમાં કલાર્ક તરીકે ફરજ બજાવતાં હતા. ગત તા.૮ નવેમ્બરે તેઓ તેમના મિત્રના મોપેડ ઉપર કચેરીએથી ગ-પ સર્કલ તરફ સે-ર૪ ચાર રસ્તા જઈ રહયા હતા તે દરમ્યાન અજાણ્યા વાહને મોપેડને અડફેટે લીધું હતું. જેમાં બન્ને વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. જો કે ઘરે પહોંચ્યા બાદ દીલીપભાઈને પેટમાં દુખાવો ઉપડતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી અમદાવાદ સિવિલ લઈ જવાયા હતા જયાં આજે બપોરે સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું. આ ઘટનામાં સે-ર૧ પોલીસે ગુનો નોંધી અજાણ્યા વાહનચાલકની શોધખોળ આદરી છે. 

(5:51 pm IST)