Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

કોરોના વોરિયર્સ ડોકટર્સ માટે લોહાણા સગાઈ કેન્દ્ર અને સંસ્કૃતિ સેતુ દ્વારા ખાસ પસંદગી મેળો યોજાયો

સ્ટેજ પર નહિ પરંતુ રાઉન્ડ ટેબલ ટોક મેળો : ઉમેદવારને સ્ટેજ પરથી બોલવાની આવતી શરમને દૂર કરવા નવતર પ્રયોગ

અમદાવાદ : કોરોનામાં પ્રજાની ખડેપગે સેવા કરીને કોરોના વોરિયર્સનું બિરુદ મેળવનારા ડોકટર્સ માટે લોહાણા સગાઈ કેન્દ્ર અને સંસ્કૃતિ સેતુ દ્વારા ખાસ પસંદગી મેળો યોજવામાં આવ્યો હતો. આ પસંદગી મેળાની વિશેષતા એ હતી કે આ મેળામાં ઉમેદવારે સ્ટેજ પર બોલવા ઉભા રહેવાના બદલે રાઉન્ડ ટેબલ ટોક બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ નવતર પ્રયોગ અંગે લોહાણા સગાઈ કેન્દ્રના આયોજક કિશોર ઠક્કરે જણાવ્યું કે ઉમેદવારને સ્ટેજ પર ઉભા રહીને બોલવાની શરમ આવતી હોય છે તો ઘણાને સ્ટેજ ફોબિયા હોવાથી આ પ્રકારે નવી વ્યવસ્થા ઉભી કરી હતી.

લોહાણા લગ્ન સગાઈ તથા સંસ્કાર અને સંસ્કૃતિ સેતુ દ્વારા તારીખ 14મી નવેમ્બરના રોજ રવિવારે કોરોના વોરિયર્સ ડોક્ટર્સ માટે અમદાવાદમાં ગજ્જર હોલ, લો ગાર્ડન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 35 ડોક્ટર્સ ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમમાં સ્ટેજ ઉપર બોલવાનું નહોતું કે કોઈ પણ બિલ્લો લગાવવાનો નહોતો ‘ રાઉન્ડ ધ ટેબલ ટોક ‘ કાર્યક્રમ હતો. આ પ્રસંગે ગુજરાત ઓર્થોપેડીક એસોશિએેશનના પ્રમુખ ડો નવીનભાઈ ઠક્કર ( ઓર્થો. સર્જન ), Lions ક્લબના ઘનશ્યામભાઈ ઠક્કર તથા વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહીને સંસ્થાની ડોક્ટર્સ પ્રત્યે ની સેવાને બિરદાવી હતી. રવિવારે યોજાયેલા ખાસ પસંદગી મેળામાં સુપર સ્પેશિયાલીટી અભ્યાસ કરતા યુવાન તબીબોએ ભાગ લીધો હતો.

સંસ્થાના પ્રમુખ કીશોર ઠક્કરે જણાવ્યું હતું કે ફક્ત અને ફક્ત ડોક્ટર્સ માટે બધી જ્ઞાતિના ઉમેદવારોના સમાવેશ સાથે વર્ષમાં મીનીમમ ચાર કાર્યક્રમ યોજવામાં આવશે તેવી તેમણે આ પ્રસંગે જાહેરાત કરી હતી. વધુ માહિતી માટે તેમનો સંપર્ક કરવા જણાવ્યું છે.

(6:52 pm IST)