Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

પેપર લીક મામલે થયો સૌથી મોટો ખુલાસો

પેપરકાંડ બહાર ન આવ્યું હોત તો ૪૦ લોકો નક્કી પાસ હતા

કુલ ૮૮ હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી એમાં ૪૦ લોકોને પેપર મળી ગયું હોવાની વિગતો સામે આવતાં ઘમાસાણ મચ્યુ છે

અમદાવાદ, તા.૧૭: સાબરકાંઠા હેડ કલાર્ક પેપરલીક કાંડમાં ૧૧ આરોપી વિરુદ્ઘ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાંથી પોલીસે ૬ આરોપીને ઝડપી લીધા છે. જયારે અન્ય આરોપીની શોધખોળ ચાલી રહી છે. ગૃહ રાજયમંત્રી હર્ષ સંદ્યવીએ પગલાં લેવાની બાંહેધરી આપ્યા બાદ આપ નેતા યુવરાજસિંહે પત્રકાર પરિષદ કરીને તેમાં તેમણે કહ્યું હતું કે સરકારે પેપર ફુટ્યાનુ સ્વિકાર્યુ છે. પેપર હિંમતનગરથી પેપર લીક થયુ હતુ એવી માહિતી મળી હતી અને આ મામલે હજુ પોલીસ તપાસ ચાલી રહી છે.

હેડ કલાર્કની પરીક્ષા મુદ્દે સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. હેડ કલાર્કનું પરીક્ષાનું આ ફૂટેલુ પેપર ૪૦ ઉમેદવારો સુધી પહોંચ્યું હતું એવો ખુલાસો કરવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં ૪૦ ઉમેદવાર સુધી આ પેપર પહોંચ્યું હોવાનું સામે આવ્યું હોવાથી પરીક્ષા આપનાર ઉમેદવારો સહિત તમામ લોકોમાં હડકંપ મચી ગયો હતો.

ઉલ્લેખનીય છે કે અંદાજે ૮૦ હજાર લોકોએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો અને આશરે ૧૮૬ જગ્યા પર ભરતી થવાની હતી.

જો પેપર લીક થયાની બાબત સામે ન આવી હોત તો આ વિગત પણ સામે ન આવી હોત અને આ ૪૦ લોકો નક્કી પાસ થઈ ગયા હોત.  એક સંભાવના એવી પણ કહી શકાય કે જો આ કાંડ બહાર ન આવ્યો હોત તો તમામ સીટો પર કદાચ કૌભાંડી ઉમેદવારો જ સિલેકટ થયા હોત. કારણ કે ૪૦ લોકો સુધી પેપર પહોંચ્યાનો તો અધિકૃત આંકડો બહાર આવ્યો છે. ઉમેદવારોએ માગણી કરી હતી કે જો આવું થયું હોય તો અંદાજે ૮૮ હજાર ઉમેદવારોએ અંદાજે ૧૦૦ કે સવાસો સીટો પર લડવાનું થાય.

૮૮ હજાર જેટલા ઉમેદવારોએ હેડ કલાર્કની આપી હતી પરીક્ષા

હવે આ કેસ બહાર આવતા પરીક્ષા આપનાર ઉમેદવારો નિરાશ થયા છે અને હેડ કલાર્કની પરીક્ષા રદ કરવા ઉમેદવારોએ માગણી કરી હતી.

પેપર લીક કઈ રીતે થયું?  

. આરોપી જયેશ પટેલને પરીક્ષાના એક દિવસ પહેલા મળ્યુ હતુ પેપર

. જયેશને બી સિરીઝના પેપરની નકલ  મળી હતી

. જયેશે આ પેપર જશવંત પટેલ, મહેન્દ્ર પટેલ, દેવલ પટેલને આપ્યું હતું

. દેવલ પોગલુ ગામના ૫ વિદ્યાર્થીઓને મહેન્દ્ર પટેલના દ્યરે લઈ ગયો હતો

. ધ્રુવ બારોટે વિદ્યાર્થીઓને પેપર અને પુસ્તકો આપ્યા હતા

. આરોપીઓ મહેન્દ્ર પટેલના દ્યરે પેપર સોલ્વ કરવા માટે બેઠા હતા

. ચિંતન પટેલે અન્ય ૬ વિદ્યાર્થીઓને પેપર સોલ્વ કરવા જશવંતના ખેતરમાં બેસાડ્યા હતા

. પરીક્ષાર્થીઓના મોબાઈલ વિનય હોટલથી સ્વીચ ઓફ કરાયા હતા

.પરીક્ષાના દિવસે સવારે વિદ્યાર્થીઓ અલગ અલગ વાહનમાં કેન્દ્ર પર પહોંચ્યા હતા.

. જયેશ પટેલે પેપરની એક નકલ દર્શન વ્યાસને આપી હતી

. દર્શન વ્યાસે પેપરની એક નકલ કુલદિપ પટેલને આપી હતી

. કુલદિપ પટેલે ગાંધીનગરમાં કારમાં બેસી પેપર સોલ્વ કર્યુ હતુ

. ૫ વિદ્યાર્થીઓને કુલદીપ પરીક્ષા કેન્દ્ર પર વડોદરા મુકવા ગયો હતો

. જયેશ પટેલે ૧૦ થી ૧૫ લાખમાં પરીક્ષાર્થીઓને પેપરની નકલ આપી હતી

આરોપીઓએ પરીક્ષાર્થીઓને પેપર સોલ્વ કરાવી પરીક્ષા કેન્દ્રએ પહોંચાડ્યા હતા.

(3:57 pm IST)