Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

વિસનગર-ઉંઝા હાઇવે ઉપરના તિરૂપતિ નેચરલ પાર્ક પાસે ડમ્‍પર ચાલકે બાઇકને હડફેટે લેતા 3ના મોતઃ મૃતકો દાહોદ જીલ્લાના ગુગસ ગામના રહેવાસી હોવાનું ખુલ્‍યુ

મહેસાણાના વાલમ ગામે મજૂરી કામ કરવા જતા હતા અને દુર્ઘટના સર્જાઇ

મહેસાણા: રાજ્યમાં અકસ્માતોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે મોડી સાંજે મહેસાણાના વિસનગર ઊંઝા હાઈવે પર ડમ્પર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જે તિરૂપતિ નેચરલ પાર્ક પાસે થયેલા અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. બાઈકસવાર 3 ઈસમોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. મૃતક પરિવાર મૂળ દાહોદ જિલ્લાનો રહેવાસી હોવાનું અને મહેસાણાના વાલમ ગામે મજૂરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસની ઘટનાની જાણકારી મળતા ઘટના સ્થળે પહોંચીને અકસ્માત મામલે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે મોડી રાત્રે વિસનગર ઊંઝા હાઇવે પર આવેલા તિરૂપતિ નેચરલ પાર્ક પાસે ડમ્પર ચાલકે એક બાઈકને અડફેટે લેતા બાઈક પર સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. અકસ્માતમાં ભોગ બનનાર દાહોદ જિલ્લાના ગુગસ ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે, અને તેઓ મહેસાણાના વાલમ ગામે મજૂરી કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે.

જે ત્રણ વ્યકિતના મોત નિપજ્યા છે તેમાં સવાભાઈ હકલાભાઈ પારઘી, તેના પત્ની લાલીબેન પારઘી અને પુત્ર રાજેશ પારઘીનો સમાવેશ થાય છે. ત્રણેય લોકો વિસનગરથી વાલમ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું છે. શ્રમજીવી પરિવારના લોકોનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ગુનો નોંધવા માટે તજવીજ હાથ ધરી છે.

(4:25 pm IST)