Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

વડોદરાના સુભાનપુરા ખુલ્લા પ્લોટમાં નાખવામાં આવતા કચરાના મુદ્દે સોસાયટીના લોકોએ હોબાળો મચાવ્યો

વડોદરા: શહેરના સુભાનપુરા વિસ્તારના ખુલ્લા પ્લોટમાં નાખવામાં આવતા કચરાના મુદ્દે સોસાયટીના લોકોએ હોબાળો મચાવ્યો હતો. જે બાદ રજૂઆતને પગલે ભાજપના પૂર્વ કોર્પોરેટર અને હાલના કોર્પોરેટરએ તાત્કાલિક સ્થળ પર પહોંચી કચરો ઠાલવતા અટકાવ્યો હતો તેમજ પ્લોટની સફાઈ કામગીરી કરી વિસ્તારના સરકારી અને ખાનગી પ્લોટમાં ફેંસિંગ કરવા માંગ કરી હતી.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં વુડા, કોર્પોરેશન અને ખાનગી સોસાયટીના અનેક પ્લોટ ખુલ્લા છે. જોકે આ ખુલ્લા પ્લોટોમાં કેટલાક તત્વો દ્વારા રોડા છારુ અને કચરો ઠાલવવામાં આવતો હોય છે. આજે પણ વુડા પાસેના ખુલ્લા પ્લોટમાં ડમ્પર દ્વારા કચરો નાખવામાં આવી રહ્યો હતો. જે અંગે સ્થાનિક લોકોઓએ કાઉન્સિલરને જાણ કરી હતી. જેને પગલે બંને સ્થળ પર દોડી આવ્યા હતા અને કચરો નાખતા ડમ્પરને અટકાવી પ્લોટ ની સફાઈ કામગીરી કરી હતી. વોર્ડ નંબર 9 માં અમીન પાર્ટી પ્લોટ નજીક, વુડા પાસે અને અન્ય કેટલીક સોસાયટી પાસે કોર્પોરેશન, વુડા તેમજ સોસાયટીના ખાનગી પ્લોટો છે. જેના પર કેટલાક અસામાજિક તત્વોએ ડોળો જમાવી રાખ્યો છે. આ ખુલ્લા પ્લોટો પર રોડા છારુ સહિત કચરો નાખી લોકો માટે મુસીબત ઊભી કરવામાં આવે છે. આ અંગે કાઉન્સિલર દ્વારા અગાઉ પણ ઉગ્ર રજૂઆતો કરી ખુલ્લા પ્લોટ પર ફેન્સિંગ કરવાની માંગ કરાઈ હતી. આજે ફરી ખુલ્લા પ્લોટની સફાઈ થાય અને ફેન્સિંગ લગાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

(5:51 pm IST)