Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

સાબરમતી રીવરફ્રન્ટ ખાતે 28 કરોડના ખર્ચે તૈયાર થયેલ સ્પોર્ટસ કોમ્પલેકસ ધૂળ ખાય છે

વિકાસના નામે વાહ વાહી લુંટ્યા બાદ મ્યુનિ.ના શાસકો પાસે લોકોના ટેકસના નાણાંમાંથી બનાવેલ સ્પોર્ટસ કોમ્પલેકસ શરુ કરવાનો સમય નથી.

અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ ખાતે પ્રજાના 28 કરોડના ખર્ચે પાલડી ઉપરાંત શાહપુર પાસે શહેરીજનો માટે તૈયાર કરવામાં આવેલા બે સ્પોર્ટસ કોમ્પલેકસ તૈયાર થઈ ગયા હોવા છતાં મ્યુનિ.ના શાસકો પાસે લોકોના ટેકસના નાણાંમાંથી બનાવવામાં આવેલા સ્પોર્ટસ કોમ્પલેકસ શરુ કરવાનો સમય નથી.

પાલડી વિસ્તારના એન.આઈ.ડી.પાસે તેમજ શાહપુર પાસે બાસ્કેટ બોલ, ફુટબોલ અને જીમ સહીતની સુવિધા સાથે 7472 સ્કેવર મીટર જગ્યામાં બાંધવામાં આવેલા બંને સ્પોર્ટસ કોમ્પલેકસ ઘણાં સમયથી તૈયાર થઈ ગયા હોવા છતાં શાસકો દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવતુ નથી.

કોર્પોરેશન દ્વારા જાન્યુઆરી-2019માં 45 હજાર સ્કેવર મીટર જગ્યામાં અદ્યતન સ્પોર્ટસ કોમ્પલેકસ તૈયાર કરવા એમ. પટેલ ઈન્ફ્રાસ્ટ્રકચરને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. પાલડી વિસ્તારમાં આવેલા એન.આઈ.ડી.પાસે ચાર ક્રીકેટ પીચ, પાંચ ટેનિસ કોર્ટ ઉપરાંત  સ્કેટીંગ રીંગ તેમજ 800 મીટરનો જોગીંગ ટ્રેક સહિતની સુવિધા ઉભી કરવામાં આવી છે.

(11:07 pm IST)