Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

વાલ્‍મિકી સમાજના સફાઇ કામદારોના પ્રશ્‍ને નિકળેલ લાભજી ભગતને પારણા કરાવતા મંત્રી પ્રદીપ પરમાર

સમાધાનકારી વલણથી આંદોલન સમેટાય઼ુ

અમદાવાદ:  ગુજરાતનાં વાલ્મિકી સમાજના સફાઈ કામદારોના પ્રાણ પ્રશ્નો માટે અરવલ્લી જિલ્લાના માલપુરથી ગાંધીનગર સુધી દંડવત પ્રણામ કરતા નિકળેલા લાલજી ભગતને તાજપુરા ખોડિયાર ગૌ શાળા ખાતે પારણા કરાવી યાત્રાનો અંત લાવતા મંત્રી પ્રદીપ પરમાર અને રાજ્ય કક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમારના સમાધાનકારી વલણથી આંદોલનનો અંત આવ્યો.

ગુજરાતના વાલ્મિકી સમાજના સફાઈ કામદારોના નાના મોટા પ્રશ્નોને લઈને 14 જેટલી મંગાણીઓ સાથે ગત 1 જાન્યુઆરી 2022ના રોજ માલપુરથી ગાંધીનગર સુધી દંડવત પ્રણામ કરતા કરતા વેદનાપત્ર આપવા નીકળેલા માલપુરના લાલજી ભગત અને સમર્થકો સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં શ્રી ખોડિયાર ગૌ શાળા તાજપુર ખાતે પહોંચી હતી. તે સમયે તેમના પ્રતિનિધિ મંડળને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંવેદના દાખાવીને સફાઈ કામદારોના પ્રશ્નોનું સુખદ સમાધાન થાય અને તેમની માંગણીઓનું હકારાત્મક નિરાકરણ આવે તે માટે ગાંધીનગર ખાતે બોલાવી એક બેઠક યોજી હતી.

ગાંધીનગર ખાતે બેઠકમાં યાત્રાના દલિત ભાઈઓને સમજાવીને તેમના મધ્યસ્થી માટે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમાર અને રાજ્યકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમારને તેમના પ્રશ્નો ઉકેલવાની જવાબદારી સોંપતા બન્ને મંત્રીઓ આજે સવારે 11.00 કલાકે તાજપુર ખાતેની છાવણીમાં રૂબરૂ આવીને સફાઈ કામદારોના પ્રશ્નોને વાચા આપી રાજ્ય સરકાર હર હંમેશ લોક કલ્યાણ માટે કટિબદ્ધ હોવાની પ્રતિતિ કરાવીને લાલજી ભગતને લીંબુ પાણી પીવડાવી પારણા કરાવ્યા હતા.

આ પ્રસંગે લાલજી ભગત દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, અમારા પ્રશ્નોને સરકારે સાંભળ્યા છે. અમારો સમાજ ગરીબ છે નાનો છે. અમારી વેદનાને મુખ્યમંત્રીએ અને બન્ને મંત્રીઓ અહીં આવીને અમને સાંતવના અને ઉકેલ લાવવાની ખાત્રી આપી છે. અમને લઘુત્તમ વેતન અને સફાઈ કામદારોને કાયમી કરો એજ અમારી માંગણી છે અમને આશા છે કે આ સરકાર પ્રશ્નો ઉકેલશે.

(11:12 pm IST)