Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

ભાજપના મોટા નેતા અમારા સંપર્કમાં : ઇસુદાન ગઢવી

સમય આવશે તો ત્યારે બીજેપીને રંગ બતાવીશું : વિજયભાઇ અને મહેશભાઇનો ખુબ ખુબ આભાર તેમણે અમારી સાથે અત્યાર સુધી રાત દિવસ સંઘર્ષ કર્યો છે

અમદાવાદ, તા.૧૮  : ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને હવે ગણતરીના મહિના બાકી છે ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં ગાબડું પડયુ છે. ઉત્તર ગુજરાતના લોકગાયક વિજય સુવાળાએ આપનો સાથ છોડીને ભાજપનો ખેસ પહેર્યો છે. આ સાથે સોમવારે જ આપના અગ્રણી નેતા અને સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પણ આપને અલવિદા કહ્યુ છે. ત્યારે ગુજરાતની આમ આદમી પાર્ટીમાં આંતરિખ વિખવાદની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.

પેપર લીક કૌભાંડના યુવરાજસિંહ જાડેજા અંગે વાત કરતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે, અમે જ તેમને કહ્યું કે, આમ આદમી તરીકે લોકોમાં જાઓ, આમ આદમીના નેતા તરીકે જશો તો વિદ્યાર્થીઓ ન્યાય નહીં આપે તેમને લાગશે કે આપ પાર્ટી જશ લઇ જશે. એટલે અમે નક્કી કર્યું છે કે, તમે વિદ્યાર્થી નેતા તરીકે લડાઇ ચલાવો. સત્યની લડાઇ ગમે ત્યાં હોય પરંતુ આમ આદમી પાર્ટી એની સાથે જ છે. અમે ગુમાવીશું, સંઘર્ષ કરીશું પણ ઝુકીશું નહીં.

છેલ્લા છ મહિનામાં દસ લાખ લોકો આમ આદમીમાં જોડાયા છે. તેમણે દિગ્ગજ નેતાઓના જવા અંગે જણાવ્યુ કે, વિજયભાઇ અને મહેશભાઇએ અમને આજ સુધી સાથ આપ્યો તેમનો ખુબ ખુબ આભાર તેમણે અમારી સાથે અત્યાર સુધી રાત દિવસ સંઘર્ષ કર્યો છે. એમનું યોગદાન અમે ભૂલીશું નહીં. પરંતુ ભાજપે દોગલી નીતિ શરૂ કરી છે. ભાજપને ખબર નથી કે, અમે કોંગ્રેસ નહીં આમ આદમી પાર્ટી છીએ અને અમે જનતાની પાર્ટી છીએ.

ભાજપ જેટલા લોકો તોડવાનો પ્રયાસ કરશે તેટલી ભાજપ પ્રત્યે નફરત થશે. આપ નેતા ઇસુદાને વાતચીતમાં જણાવ્યુ કે, ભાજપના અનેક મોટા નેતા અમારા સંપર્કમાં છે, સમય આવશે તો અમે પણ ભાજપને રંગ દેખાડીશું, ટાઇગર અભી જિંદા હૈ. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, છેલ્લા ૧૦ વર્ષમાં ૫ મોટા પેપર ફોડ્યા છે. કોઈ મોટી માછલી પકડાઈ નથી. જેના કારણે અમારી પાર્ટીના સિમ્બોલિક તરીકે અમારી પાર્ટીના કાર્યકરો અને નેતાઓએ કમલમમાં જવું પડ્યું હતું. તો ત્યાં અમારી સાથે શું થયું તે તો બધાને ખબર જ છે. અમને જેલમાં બંધ કરી દીધા. આજ સુધીનો ઈતિહાસ છે કે, વિરોધ કરવા ગયેલા વિરોધ પક્ષને ક્યારેય જેલમાં નાંખી દેવામાં આવ્યા નથી. મારી પર દારૂનો કેસ કરી દીધો. મેં જીવનમાં ક્યારેય દારૂ નથી પીધો. અમારા દરેક કાર્યકરોને ડરાવવા, ધમકાવવા અને ખોટી રીતે ફસાવવાની કોશિશ કરી છે.

(7:54 pm IST)