Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

નાબાર્ડના સ્ટેટ ફોકસ પેપર ર૦રર-ર૩નું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તેગાંધીનગરમાં વિમોચન કર્યુ : રાજ્યમાં વર્ષ ર૦રર-ર૩ દરમિયાન અગ્રિમ ક્ષેત્રે રૂ. ર.૪૮ લાખ કરોડનો સંભવિત ધિરાણ અંદાજ રજૂ કરતું સ્ટેટ ફોકસ પેપર

કૃષિ-સંલગ્ન ક્ષેત્રો માટે રૂ. ૧.૧૩ લાખ કરોડ-એમ.એસ.એમ.ઇ માટે રૂ. ૧.૦૯ લાખ કરોડ અને અન્ય પ્રાયોરિટી સેક્ટર્સ માટે રૂ. ર૬ હજાર કરોડનો ધિરાણ સંભવિતતા અંદાજ

રાજકોટ તા.૧૮ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર અને રૂરલ ડેવલપમેન્ટ (NBARD) દ્વારા ર૦રર-ર૩ના વર્ષ માટેની એકંદર વાર્ષિક ધિરાણ સંભવિતતા દર્શાવતા સ્ટેટ ફોકસ પેપરનું વિમોચન કર્યુ હતું.

   નાબાર્ડ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લાઓ માટે મૂલ્યાંકન કરાયેલા એકંદર વાર્ષિક ધિરાણ સંભવિતતાનું આ ફોકસ પેપર તૈયાર કરવામાં રાજ્ય સરકારના સંબંધિત વિભાગો, બેન્કસ અને અન્ય હિસ્સેદારો સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો.

આ સ્ટેટ ફોકસ પેપર વિમોચન વેળાએ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ, નાણાં મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ, સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, કૃષિ રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલ પણ સહભાગી થયા હતા. 

નાબાર્ડ દ્વારા અગ્રિમ ક્ષેત્રે વર્ષ ર૦રર-ર૩ માટે રાજ્યની ધિરાણ સંભવિતતા જે રૂ. ર.૪૮ લાખ કરોડ દર્શાવવામાં આવી છે તેમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં રૂ. ૧.૧૩ લાખ કરોડ, MSME સેક્ટર માટે રૂ. ૧.૦૯ લાખ કરોડ અને અન્ય અગ્રિમ-પ્રાયોરિટી સેક્ટર માટે રૂ. ર૬રપપ કરોડનો હિસ્સો ધરાવે છે.

   મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં અગ્રતા ક્ષેત્રના ધિરાણના વિકાસને આકાર આપનારા આ ડૉક્યુમેન્ટને ઝીણવટપૂર્વક તૈયાર કરવા માટેના નાબાર્ડના પ્રયાસોની સરાહના કરી હતી. 

નાબાર્ડના ચીફ જનરલ મેનેજર શ્રી ડૉ. જ્ઞાનેન્દ્ર મણિ એ આ ડૉક્યુમેન્ટ અંગે કહ્યું કે, બેન્કસ દ્વારા તૈયાર કરવામાં આવતા એન્યુઅલ ક્રેડીટ પ્લાન માટેનો તે આધાર બનાવે છે. આ ઉપરાંત આ ડૉક્યુમેન્ટમાં ક્ષેત્રીય મુદ્દાઓ અને વિકાસની સંભાવનાઓને સાકાર કરવા માટેના સૂચનો પણ પ્રકાશિત કરાય છે. 

આ સ્ટેટ ફોકસ પેપરના વિમોચનમાં અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, કૃષિ સચિવ શ્રી મનિષ ભારદ્વાજ, નાણાં વિભાગના સચિવ (ખર્ચ) શ્રીમતી મનિષા ચંન્દ્રા, સહકાર સચિવ શ્રી નલિન ઉપાધ્યાય તેમજ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયાના રિજીયોનલ ડિરેકટર શ્રી એસ. કે. પાણિગ્રહી, એસ.એલ.બી.સી ના કન્વીનર શ્રી બંસલ અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

(3:32 pm IST)