Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

વલસાડ જીલ્લાના જુજા ગામે રમત-રમતમાં ધતુરાના ફળનું શાક બનાવીને ખાઇ લેતા 4 બાળકોની તબિયત લથડતા સારવારમાં

3 ઇંટનો ઉપયોગ કરીને ચુલ્લો સળગાવ્‍યો ને રાંધેલુ શાક ખાતા બેભાન થયા

વલસાડ: માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. બાળકો રમત રમતા હોય ત્યારે તેમના ઉપર નજર રાખવી જરૂરી બની ગઈ છે. વલસાડના ગામ જૂજવા ગામ ખાતે 4 બાળકોએ રમત રમતમાં ધતુરાના ફળનું શાક બનાવી ખાઈ લેતા 4 બાળકોની તબિયત લથડતા તેમને તાત્કાલિક સારવાર અર્થે વલસાડની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, વલસાડ તાલુકાના જૂજવા ગામ ખાતે રહેતા અલગ અલગ પરિવારના 4 બાળકો રમી રહ્યા હતા. તે દરમિયાન રમતા રમતા બાળકોને 3 ઈંટનો ઉપયોગ કરીને તેના ઉપર રસોઈ બનાવવાની રમત શરૂ કરી હતી. જે દરમ્યાન નજીકથી ધતુરાનું ફળ લાવી તેના બી કાઢી તેને તપેલીમાં નાખી ચૂલો સળગાવી શાક બનાવ્યું હતું. બાળકો ઘરમાંથી રોટલાઓ લાવીને ધતુરાનું શાક અને રોટલો ખાઈ ગયા હતા.

બાળકોએ ધૂતરાનું શાક ખાઈને રમવાનું શરૂ કર્યું હતું, અને રમતા રમતા બેભાન થઈ જતા પરિવારના સભ્યોને જાણ થતાં પરિવાર તેમને આજુબાજુમાં તપાસ કરતા ચૂલા ઉપર મુકેલી તપેલીમાંથી ધતુરના ફળના બી તેમજ ફળના ટુકડા મળી આવ્યા હતા. જેથી 4 બાળકોને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે 108ની ટીમની મદદ વડે બાળકોને કસ્તુરબા હોસ્પિટલ ખસેડયા હતા.

હાલ બાળકોને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ સમગ્ર જિલ્લામાં થતા જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો હતો.

(4:59 pm IST)