Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

લગ્નના શુભ મૂહુર્ત આજથી શરૃઃ વરઘોડા-ડીજેમાં તકેદારી રાખવા અપીલ

રાજયમાં ચાર દિવસ મોટા પ્રમાણમાં લગ્નો યોજાશેઃ કોરોના ગાઈડલાઈન્સનું પાલન થાય તે માટે લોકોને અપીલ કરાઈ

અમદાવાદ, તા.૧૮: રાજયમાં કોરોના વાયરસના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આવામાં ગુજરાતમાં પાછલા ૬ મહિનાના પછી ૧૨,૦૦૦ કરતા વધારે કેસ નોંધાયા છે. આવામાં સતત વધતા કેસની વચ્ચે લગ્નની સિઝન શરૂ થઈ છે જેના કારણે કોરોના વકરવાની ચિંતામાં વધારો થયો છે. આ બધાની વચ્ચે આજે મોટા પ્રમાણમાં લગ્ન યોજાઈ રહ્યા છે ત્યારે લોકોને તકેદારી રાખવા માટે અપીલ કરવામાં આવી છે. લગ્નમાં બેન્ડબાજા, ડીજે, વરઘોડો માટેની તૈયારીઓ થઈ ગઈ છે પરંતુ તેની સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પણ અનિવાર્ય રહેશે.

ચાલુ વર્ષમાં લગ્નના વધુ મુહૂર્ત હોવાથી ગુજરાતમાં લાખોની સંખ્યામાં લગ્નના આયોજનો થયા છે. આવામાં મંગળવારે એટલે કે આજે અને આગામી ત્રણ દિવસ મોટા પ્રમાણમાં લગ્નના આયોજન હોવાથી તંત્ર દ્વારા લોકોની કાળજી રાખવા માટે અને કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે.

લગ્નના પ્રસંગમાં લોકો સંગીતના તાલ પર ગરબે ઘૂમે કે પછી ડાન્સ કરે આવામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું મુશ્કેલ બની શકે છે જેના કારણે કોરોના વકરવાની ચિંતા રહેલી છે. જો ડાન્સ કરતી વ્યકિતમાંથી કોઈ એક વ્યકિત સંક્રમિત હોય અને તેઓનું એકબીજા વચ્ચેનું અંતર ઘટવાથી તેમની સાથે ટોળામાં રહેલા અન્ય લોકો પણ સંક્રમિત થઈ શકે છે અને તે પછી સમારંભમાં લોકો સાથે મુલાકાત દરમિયાન વાયરસ વધારે લોકોને સંક્રમિત કરી શકે છે.

કોરોનાના કેસમાં વધારો થતા લગ્ન જેવા પ્રસંગોમાં આવતા મહેમાનોની સંખ્યામાં ઘટાડો થયો છે, જેમાં બંધ હોલમાં કે ખુલ્લામાં કઈ રીતે આયોજન કરવામાં આવ્યું છે તે પ્રમાણે ગાઈડલાઈન્સમાં મહેમાનોની સંખ્યા નક્કી કરવામાં આવી છે. આવામાં કેટલાક જાગૃત નાગરિકો જરુર ના હોય તો લગ્ન પ્રસંગમાં જવાનું ટાળી રહ્યા છે આમ છતાં મહેમાનોની ભીડ રહી તો તેનાથી કોરોનાના કેસ ઝડપથી વધવાનું જોખમ રહેલું છે.

ઉત્તરાયણ બાદ કમૂરતા પૂર્ણ થતા શુભ મુહૂર્તની શરુઆત થઈ છે. આવામાં મોટા પ્રમાણમાં લગ્ન પ્રસંગોના આયોજન હોવાથી કોરોનાના સંક્રમણમાં વધારો થવાનો ભય રહેલો છે. વહીવટી તંત્ર દ્વારા લગ્નમાં વધારે ભીડ ના થાય અને ગાઈડલાઈન્સનું પાલન થાય તે અંગે પણ સૂચનો કરવામાં આવ્યા છે. આ સાથે પસંગો દરમિયાન પણ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી શકે છે. આ દરમિયાન ગાઈડલાઈન્સનો ભંગ થતો જણાશે તો જરુરી પગલા ભરવામાં આવી શકે છે.

બીજી તરફ લોકો પણ સાવચેતી અને સલામતી સાથે પ્રસંગનું આયોજન કરે તે પણ જરૂરી છે.

(10:11 am IST)