Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

નોંધાયેલા પૈકી ૧૯% ખેડૂતોએ સરકારને મગફળી વેંચી : ટેકાવાળી ખરીદી પૂર્ણ

સૌથી વધુ રાજકોટ જિલ્લાના ૧૧૬૧૩ ખેડૂતોએ મગફળી વેચી : સરકાર દ્વારા ૪૬૫ કરોડની ખરીદી : આંકડાકીય માહિતી આપતા એસ.કે.મોદી

રાજકોટ તા. ૧૯ : રાજ્ય સરકાર દ્વારા નાગરિક પુરવઠા નિગમના માધ્યમથી ૯ નવેમ્બર લાભ પાંચમથી શરૂ કરાયેલ ટેકાના ભાવે મગફળી ખરીદીની કામગીરી લગભગ પૂર્ણ થઇ ગઇ છે. પ્રારંભે ૧૫૦ ખરીદ કેન્દ્રો કાર્યરત હતા. ગઇકાલની સ્થિતિએ માત્ર ૧૦ કેન્દ્રો જ ચાલુ છે ત્યાં પણ ખરીદી પૂરી થવા તરફ છે. સરકારના મગફળીના ટેકાના ભાવ મણના રૂ. ૧૧૧૦ની લગોલગ અથવા તેનાથી વધુ ભાવ ખુલ્લા બજારમાં મળ્યા હોવાથી ખેડૂતોને ટેકાના ભાવનું નોંધપાત્ર આકર્ષણ રહેલ નહિ. ટેકાવાળી ખરીદીના કારણે ખુલ્લા બજારમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળ્યા હતા.

ગુજરાત નાગરિક પુરવઠા નિગમના વહીવટી નિયામક એસ.કે.મોદી (આઇ.એ.એસ.)ના જણાવ્યા મુજબ મગફળી વેચવા માટે કુલ ૨,૬૫,૫૫૮ ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવેલ. તે પૈકી નિયમ મુજબ ન હોવાથી ૩૧૭૦૦ નોંધણી સ્થગિત કરાયેલ. ૨,૩૩,૮૫૮ ખેડૂતોની નોંધણી માન્ય રહેલ. જેમાંથી મગફળી લઇને આવવા માટે ગઇકાલ સુધીમાં ૯૮ ટકા ખેડૂતોને મેસેજ કરાયેલ. તે પૈકી ૪૪૨૯૨ ખેડૂતોએ સરકારને મગફળી વેંચી છે. ૧૪૫૬ ખેડૂતોની મગફળી અમાન્ય ઠરી છે. જેમાંથી ૩૭૬૮૫ ખેડૂતોને નાણા ચૂકવાઇ ગયા છે. સરકારે ૪૬૫૨૬.૧૪ લાખની મગફળી ખરીદી છે.

સૌથી વધુ ૪૪૫૭૧ ખેડૂતોની નોંધણી રાજકોટ જિલ્લામાં થયેલ. તે પૈકી ગઇકાલ સુધીમાં ૧૧૬૧૩ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેંચી છે. જામનગર જિલ્લાના ૬૯૭૦, ગિર સોમનાથ જિલ્લાના ૩૮૩૪, જૂનાગઢ જિલ્લાના ૨૪૨૦, મોરબી જિલ્લાના ૧૨૬૯, ભાવનગર જિલ્લાના ૧૩૩૫ ખેડૂતોએ મગફળી વેંચી છે.(

(10:45 am IST)