Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

'ખુશ્બુ ગુજરાત કી' ને કોરોનાનું ગ્રહણ

ફુલ પેક રહેતા રણોત્સવમાં ૨૫ થી ૪૦ ટકા જ બુકિંગઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ બુકિંગો રદ

અમદાવાદ, તા.૧૯: ત્રીજી કોરોના લહેરે ગુજરાતની પ્રવાસન સીઝનને પણ અસર કરી છે. ગુજરાતના પસંદગીના પ્રવાસન સ્થળો સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છ રણોત્સવ અને ધોળાવીરામાં દેશભરમાંથી પ્રવાસીઓના બુકીંગ ધડાધડ કેન્સલ થઇ રહ્યા છે. ટુરીઝમ ડીપાર્ટમેન્ટના સુત્રો અનુસાર, પ જાન્યુઆરી પછી આ બધા સ્થળોએ જામ પેકડ રહેલા ટેન્ટ સીટીઓ અત્યારે માંડ ૨૫ થી ૪૦ ટકા ભરાયેલા છે. જેના કારણે રાજય સરકાર જ નહીં પણ ગુજરાતના ટુર ઓપરેટરોની આવકને પણ અસર થઇ છે.

કચ્છ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના ટેન્ટ સીટીના ઓપરેટરોમાંના એક લલ્લુજી એન્ડ સન્સના સેલ્સ અને માર્કેટીંગ મેનેજર કિરણ ઠાકરે કહયું, ' સામાન્ય રીતે પુનમની આજુબાજુ બુકીંગ ૮૫ ટકાની આસપાસ હોય છે, પણ જાન્યુઆરીમાં પીક સીઝન હોવા છતાં કોરોનાના કારણે સરેરાશ ૪૦ ટકા જેટલું જ બુકીંગ રહ્યું છે.

ઠાકરે કહ્યું કે ગુજરાતમાં પ્રવાસમાં આવતા ૮૦ ટકા પ્રવાસીઓ મહારાષ્ટ્ર, દિલ્હી, બેંગ્લોર, અને હૈદ્રબાદથી આવતા હોય છે. તેમાંથી મોટા ભાગનાએ કોરોના લહેરના કારણે પોતાનો પ્રવાસ રદ કર્યો છે.

ધોળાવીર ખાતેના ટેન્ટ સીટીના પ્રમોટર યોગેશ સુતરીયાએ કહ્યું, 'અમે ડીસેમ્બર ૨૦૨૧માં ૩૦ ટેન્ટ સાથે શરૂ કર્યુ હતું અને અમારી યોજના ૬૦ ટેન્ટ કરવાની હતી પણ કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને તે હાલમાં સ્થગિત કરી છે.'

સુતરીયાએ વધુમાં કહ્યું કે જાન્યુઆરી ૭ સુધી અમારી પાસે ૭૦ ટકા બુકીંગ હતુ જે અત્યારે ઘટીને ૨૫ ટકા પહોંચી ગયું છે કેમ કે કોરોનાની ત્રીજી લહેરના ભયના કારણે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

(11:09 am IST)