Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

મહેશ સવાણી એકના બે ન થયા

મનામણા માટે ગયેલી 'આપ'ની ટીમને વિલા મોઢે પાછુ ફરવુ પડયું : રાજનીતિ છોડવા પાછળ સેવાકીય પ્રવૃતિ, પરિવાર અને સ્વાસ્થ્યનું આપ્યુ કારણ

રાજકોટ, તા. ૧૯ :. ઉદ્યોગપતિ મહેશ સવાણીએ સોમવારે આમ આદમી પાર્ટીને છેલ્લા રામ રામ કરી દીધા હતા. તેમને મનાવવા ગયેલી 'આપ'ની ટુકડીને વિલા મોંએ પરત ફરવુ પડયુ હતું. સવાણીએ પરિવાર, સ્વાસ્થ્ય અને સેવાકીય પ્રવૃતિ ઉપર ધ્યાન ઓછુ આપી શકવાનું કારણ આગળ ધરી રાજનીતિ છોડી છે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના 'આપ'ના વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીના જણાવ્યા મુજબ મહેશ સવાણીએ તેમને વિશ્વાસ આપ્યો છે કે તેઓ બીજી રાજકીય પાર્ટીમાં નહી જોડાય. બીજી તરફ સવાણીએ પણ સામાજિક કાર્યો પાછળ સમય દેવા માટે રાજનીતિ છોડયાનું જણાવ્યુ હતું.

૮ મહિના પહેલા આમ આદમી પાર્ટીના જોડાયેલ સવાણીએ સોેમવારે અચાનક પાર્ટી છોડવાની જાહેરાત કરી હતી. મિડીયા સાથે વાત કરતા તેમણે કહ્યુ હતુ કે હવે રાજનીતિ નહિ માત્ર સેવા કરવા માંગે છે. ધર્મેશ ભંડેરીના નેતૃત્વમાં આપના કોર્પોરેટરોએ તેમને મનાવવા માટે અનેક પ્રયાસો કર્યા હતા પરંતુ કારી ફાવી ન હતી. આપની સમગ્ર ટીમ ગઈકાલે બપોરે અઢી વાગ્યે તેમને મળવા પહોંચી હતી. તેમના ફેંસલા ઉપર પુનઃ વિચાર કરવાનો આગ્રહ કર્યો હતો. સત્તાધારી ભાજપની તરફથી દબાણની વાત પણ તેઓએ નકારી દીધી હતી. આપની તમામ કોશિષ નિષ્ફળ નિવડતા તેઓને વિલા મોઢે પાછુ ફરવુ પડયુ હતું. તેમણે પરિવાર, સ્વાસ્થ્ય અને સેવાનું કારણ રાજનીતિ છોડવા પાછળ કારણભૂત જણાવ્યુ હતુ. તેમણે કહ્યુ કે, દત્તક પુત્રીને મળવાનું પણ રાજનીતિને કારણે બંધ થઈ ગયુ હતું. ડીસેમ્બર મહિનામાં જ્યારે બેટી વિવાહનું આયોજન કર્યુ ત્યારે જ રાજનીતિ છોડવાનું મન બનાવી લીધાનુ પણ તેમણે જણાવ્યુ હતું.

(12:38 pm IST)