Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

ત્રીજી લહેરે વધારી વૃધ્ધાની તકલીફોઃ વડીલોને વૃધ્ધાશ્રમમાં મોકલવા ફોન થયા બમણા

કુટુંબ વ્યવસ્થા ઉપર કોરોનાનો કુઠારાઘાત : પરિવારની ખરાબ આર્થિક પરિસ્થિતી સૌથી મોટુ કારણ

અમદાવાદઃ કોરોના મહામારીના આ ત્રીજી લહેરમાં પહેલી અને બીજી લહેર કરતા પણ વધારે ઝડપથી કોરોના સંક્રમણ ફેલાઇ રહ્યું છે. ત્યારે વડીલોને ઘરની ચાર દિવાલોમાં સુરક્ષિત રાખવાની જરૂર છે. પણ તેમના પોતાના જ તેમને ઘરની બહારનો રસ્તો બતાડી રહ્યા છે. શહેરના વૃધ્ધાશ્રમોમાં વડીલોને રાખવા માટે આવી રહેલા ફોનની સંખ્યા હાલમાં બમણી થઇ ગઇ છે.

શહેરના નારણપુરા ખાતેના જીવન સંધ્યા વૃધ્ધાશ્રમના ડિમ્પલ શાહ જણાવે છે કે જયારથી કોરોનાની ત્રીજી લહેર શરૂ થઇ છે ત્યારથી વડીલોને વૃધ્ધાશ્રમમાં રાખવા માટે આવતા ફોન લગભગ બમણા થઇ ગયા છે. પહેલા દિવસમાં લગભગ ૨૦ ફોન આવતા હતા જે અત્યારે ૪૦ કે તેનાથી ઉપર થઇ ગયા છે.

એક ૬૦ વર્ષના વડીલ તો તેમના પરિવારજનોથી એટલી હદે પરેશાન થઇ ગયા કે તે જાતે જ વૃધ્ધાશ્રમ પહોંચી ગયા અને પોતાને ત્યાં રાખવા માટે કહેવા લાગ્યા. જો કે કોઇ પણ વડીલને વૃધ્ધાશ્રમમાં રાખવા માટે લોહીના સંબંધ હોય તેવા બે લોકોની  લેખિત પરવાનગીની જરૂર હોય છે એટલે તેમને સમજાવીને ઘરે પાછા મોકલાયા હતા. હવે તેઓ પરિવારજનોની મંજૂરી લઇને આવવાના છે. પત્નિ અને પુત્ર પણ તેમને વૃધ્ધાશ્રમમાં મોકલવા તૈયાર છે.

ડિમ્પલ શાહ જણાવે છે કે મોટા ભાગના લોકો ફોનમાં કહે છે કે કોરોનાના કારણે નોકરી જતી રહી છે. ધંધો ચાલતો નથી અને વડીલોને સંક્રમણનું જોખમ વધારે હોય છે એટલે જો તેમને સંક્રમણ થાય તો દવાનો ખર્ચ કરવાની સ્થિતી નથી, તેમના લીધે બાળકો અને પરિવારજનોને પણ સંક્રમણ થઇ શકે કેમ કે ઘર બહુ નાનું હોવાથી બાળકો અને વડીલોને સાથે રાખવાથી મુશ્કેલી ઉભી શકે. બાળકોને તો બહાર રાખી ના શકાય એટલે લોકો વડીલોને વૃધ્ધાશ્રમમાં મોકલવા તૈયાર થાય છે. વડીલો પહેલા તો ઘરની બહાર બગીચામાં જઇને બેસતા પણ અત્યારે તેઓ ૨૨ મહિનાથી ઘરમાં લગભગ પુરાયેલ છે. એટલે જનરેશન ગેપ અને મતભેદના કારણે ઝઘડાઓ પણ વધી રહ્યા છે.(૨૩.૧૫)

ગમે તેટલી સુવિધા હોય પણ વૃધ્ધાશ્રમ  ઘર ન બની શકેઃ ડિમ્પલ શાહ

વૃધ્ધાશ્રમના સંચાલિકા ડિમ્પલ શાહ અનુસાર, વડીલો વૃધ્ધાશ્રમમાં આવી તો જાય છે પણ તેમનું મન ઘર પર જ હોય છે. તેમને કાયમ પોતાના પૌત્ર-પૌત્રીઓ બાળકોની ચિંતા સતાવતી હોય છે. એટલે વૃધ્ધાશ્રમમાં તેમનું ધ્યાન રાખવા સલાહકારોની મદદ લેવાય છે. જો કે અહીં તેમના જેવા સમદુખીયા અન્ય લોકો હોય છે એટલે થોડા દિવસમાં તેમની સાથે હળી મળી જાય છે. પણ ઘર એ ઘર છે. ભલે ગમે તેટલી સુવિધાઓ અપાય પણ વૃધ્ધાશ્રમ કયારેય ઘર ના બની શકે.(

(3:28 pm IST)