Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

ગુજરાતમાં ઠંડીની મોસમમા ચોથીવાર માવઠુ થવાની હવામાન ખાતાની આગાહીઃ સતત માવઠાથી ખેતરમાં માંડ માંડ ઉભો કરેલો પાક બગડી જવાની શક્યતા

આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ

અમદાવાદ: ગુજરાતમાં 21 અને 22 જાન્યુઆરી કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી કરાઈ છે. આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. પરંતુ માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતિત બન્યા છે. ગુજરાતમાં ઠંડીની મોસમમા ચોથીવાર માવઠુ પડવા જઈ રહ્યુ છે, જે મોટા સંકટના ભણકારા છે. સતત માવઠાથી ખેતરમાં માંડ માંડ ઉભો કરેલો પાક બગડી જવાની શક્યતા છે.

ખેડૂતોના માથે મોટી ચિતા

ગુજરાતના ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે. 21 અને 22 જાન્યુઆરીએ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરે છે. તો બનાસકાંઠામાં 21-22 તારીખે કમોસમી વરસાદ પડશે. ત્યારે માવઠા પહેલાં જરૂરી તૈયારી કરી લેવાની હવામાન વિભાગ અને કૃષિ વિભાગે સૂચના આપી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે આ અંગે લેખિતમાં જાણ કરી છે. APMC અને ખેડૂતો પાક સુરક્ષિત જગ્યાએ મૂકે તેવી સૂચના અપાઈ છે. ખેતીવાડી ખાતાને તથા સહકારી મંડળીને આ અંગે માહિતી આપી દેવાઈ છે. નાયબ બાગાયત નિયામકને પણ લેખિતમાં સૂચના અપાઈ છે.

દરિયાનો મિજાજ બદલાશે

તો બદલાતા હવામાનને પગલે ગુજરાતના માછીમારો માટે પણ એલર્ટ જાહેર કરાયુ છે. હવામાન વિભાગની આગાહીને પગલે 20 અને 21 જાન્યુઆરીએ દરિયો ન ખેડવા સૂચના આપી છે. આ સમય દરમિયાન દરિયાનો મિજાજ બદલાઈ શકે છે. અરબી સમુદ્રમાં પવનની ગતિ 40 થી 50 કિમિ પ્રતિ કલાકની રહેશે. પવનની ગતિ વધીને 60 કિમિ પ્રતિ કલાક પણ થઈ શકે છે. આવામાં અરબી સમુદ્ર માટે ખાસ તકેદારી રાખવા ચેતવણી આપી દેવાઈ છે. ઉત્તર પશ્વિમ અને પૂર્વ પશ્વિમ સમુદ્ર માટે ચેતવણી અપાઈ છે.

વાયરલ ઈન્ફેક્શનના કેસ વધશે

ગુજરાતમા કોરોનાના કહેર વચ્ચે વાયરલ ઈન્ફેક્શનના વાયરાએ ફરી માથુ ઉંચક્યુ છે. આવામાં કમોસમી વરસાદથી વાયરલ ઈન્ફેક્શનના કેસ વધી શકે છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં કોરોનાના હજારો કેસોની વચ્ચે ઘરે ઘરે વાયરલ લક્ષણના કેસો વધ્યા છે. દર્દીઓ વાયરલના લક્ષણો સાથે સારવાર માટે હોસ્પિટલોમાં આવી રહ્યા છે. લોકોમાં શરદી, ઉધરસ, ગાળામાં દુખાવો, માથામાં દુખાવો, શરીરમાં દુઃખવો, સામાન્ય તાવ આવવાની ફરિયાદ વધી છે. વાયરલના લક્ષણો જેવા જ કોરોનામાં પણ લક્ષણો હોવાથી કોરોના ટેસ્ટિંગ ડોમ પર પણ લાઈનો લાગી રહી છે. કોરોના જેવા લક્ષણો હોવા છતાં અનેકના કોરોના રિપોર્ટ નેગેટિવ આવે છે.

(4:53 pm IST)