Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

વડોદરામાં ઘરમાં કામ કરતા નેપાળી દંપતીએ જ પોતાના બે સાગરીતો સાથે મળી મહિલાને બંધક બનાવી લુંટ કરતાં ખળભળાટ

નેપાળી દંપતી જગત - લક્ષ્મી સહિત બે શખસો 6.50 લાખ રોકડા, અઢી તોલા સોનાના દાગીના, બે વાહનો સહિત 9.07 લાખ રૂપિયાની લુંટ કરી ફરાર થઈ ગયા

વડોદરા: શહેરમાં ઘરમાં કામ કરતા નેપાળી દંપતીએ જ પોતાના બે સાગરીતો સાથે મળી મહિલાને બંધક બનાવી લુંટ કરતાં હડકંપ મચી જવા પામ્યો છે. પોલીસ ચોકીના 100 મીટરના અંતરે જ આવેલા બંગલામાં લૂંટની ઘટના બનતા પોલીસ પેટ્રોલિંગના ધજાગરા ઉડ્યા છે.નંદેસરી સ્થિત NTP ટાર પ્રોડક્ટ્સ લી.ના MD તારક પટેલ સેવાસીના તારક બંગલોમાં રહે છે. ઘરકામ અને સફાઈ માટે અમદાવાદની આસ્થા મેડ સર્વિસીસ થકી તારક પટેલના બંગલોમાં સવા બે મહિનાથી નેપાળનું દંપતી કામ કરવા આવ્યું હતું. જગતબહાદુર વિરબહાદુર શાહી અને લક્ષ્મી જગત અધિકારી બંગાલાના સર્વન્ટ ક્વાર્ટરમાં રહેતા હતાં. તારક મહેતા પત્ની અને પુત્ર સાથે ઉત્તરાયણ કરવા અમદાવાદ ગયાં અને બંગલામાં તેમના માતા અંજનાબેન એકલા હતાં. 15 જાન્યુઆરીની મોડી સાંજે નોકર લક્ષ્મીએ બનાવેલી ગ્રીન ટી અંજનાબેને પીધી હતી.

અંજનાબેન મોડી રાતે સાડા બારે રૂમમાં ગયા હતાં. કપડા બદલ્યા બાદ તેઓ બેભાન થઈ ગયાં હતાં. અઢી વાગે થોડુ ભાન આવતા અંજનાબેને જોયુ તો ત્રણ શખસો પલંગ પાસે ઉભા હતાં. એક જગત અને બીજા બે અજાણ્યા હતાં. 25 વર્ષના શખસે ધારદાર સળીયો બતાવી અંજનાબેને ધમકાવી સોનાના દાગીના કાઢી લીધાં હતાં. બાદમાં અંજનાબેનને બાંધી દીધા હતા. અંજનાબેનને કેફી પાણી પીવડાવતા બેભાન થઈ ગયાં હતાં. ત્રણેયે સિક્યુરિટી ગાર્ડ અને કૂતરાને પણ બેભાન કર્યો હતો.

ઘરમાં કામ કરતા નેપાળી દંપતીએ જ પોતાના સાગરીતો સાથે મળી મહિલાને બંધક બનાવી લુંટ ચલાવતા પોલીસ દોડતી થઈ છે. નેપાળી દંપતી જગત - લક્ષ્મી સહિત બે શખસો 6.50 લાખ રોકડા, અઢી તોલા સોનાના દાગીના, બે વાહનો સહિત 9.07 લાખ રૂપિયાની લુંટ કરી ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ તાલુકા પોલીસે બે દિવસ બાદ સોમવારે રાતે ગુનો દાખલ કર્યો. મહત્વની વાત છે કે, સેવાસી પોલીસ ચોકીના 100 મીટરના અંતરે જ તારક બંગ્લોઝ આવેલો છે તેમ છતાં ઘરમાં લુંટ કરી લુટારુઓ ફરાર થઈ જતાં પોલીસ પેટ્રોલિંગના ધજાગરા ઉડ્યા છે.

તારક બંગલામાં લાગેલા સીસીટીવી કેમેરા પણ બંધ છે. પોલીસે વિવિધ વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા જેમાં ગોત્રી સિગ્નલ પાસે કેમેરામાં આરોપીઓ કેદ થયા છે. પોલીસે બંને નેપાળી દંપતીના આધાર કાર્ડ મેળવી આધાર કાર્ડ બોગસ છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત આરોપીઓને પકડવા નેપાળ બોર્ડર સહિત 6 રાજ્યની પોલીસને ઘટનાની વિગતો મોકલી છે. તાલુકા પોલીસ સ્ટેશનની સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ વિવિધ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

(4:58 pm IST)