Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

ગાંધીનગર:ચિલોડા જવાના માર્ગ નજીક લીલુંછમ વૃક્ષ કાપી નાખવામાં આવતા પર્યાવરણપ્રેમીઓમાં રોષ

ગાંધીનગરપાટનગરમાં રોડ પહોળા કરવાની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત સેક્ટર-૩૦ સર્કલ આગળ ચિલોડા જવાના માર્ગ તરફ એક લીલુછમ વૃક્ષ કાપી નાખવામાં આવ્યું હતું. જેને કારણે પર્યાવરણપ્રેમીઓમાં રોષ વ્યાપ્યો છે. શહેરના રોડ નં.૭ પર હજુ પણ ૯૨ જેટલા વૃક્ષો ધરાશાયી કરવામાં આવશે. જેમાં મોટાભાગના વૃક્ષો વન વિભાગ દ્વારા આરક્ષિત કરવામાં આવ્યા છે. તેને પણ કાપી નાખવાનું આયોજન છે. અગાઉ પણ સેક્ટર-૨૧ પાસે લીલુછમ વૃક્ષ કાપી નાખવામાં આવતા પ્રકૃતિપ્રેમીઓ રોષે ભરાયા હતા.

ગાંધીનગરમાં વિકાસ ગાંડો થઈ રહ્યો છે અથવા તો વિકાસ તરફ આંધળી દોટ મંડાઈ રહી છે. શહેરમાં વિકાસ કરવા લીલાછમ વૃક્ષો ધરાશાયી કરવામાં આવી રહ્યા છે. અત્યારે પાટનગરમાં રોડ રસ્તા પહોળા કરવાની કામગીરી ચાલી રહી છે. જેથી નડતરરૃપ તમામ વસ્તુઓને હટાવાયી રહી છે. જેમાં  દ્વારા આરક્ષિત જંગલ વિસ્તારમાં આવેલા વૃક્ષોને પણ બક્ષવામાં આવી રહ્યા નથી. પાટનગરના મુખ્ય માર્ગો પર જે વૃક્ષો આવેલા છે તે આરક્ષિત વન વિસ્તારમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. ત્યારે રોડ પહોળા કરવાની લ્હાયમાં આરક્ષિત વન વિસ્તારમાં આવેલા વૃક્ષો પણ ધ્યાને લેવામા આવતા નથી. પાટનગરમાં સમયાંતરે આવી પ્રવૃત્તિઓ કરવામાં આવતી રહે છે. ત્યારે તંત્ર અને વન વિસ્તારની રહેમ નજર હેઠળ સેક્ટર-૩૦ સર્કલ આગળ ચિલોડા જવાના માર્ગ તરફ લીમડાનું લીલુછમ વૃક્ષ જમીનદોસ્ત કરાયું હતું. તો  અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે હજુ પણ ૯૨ જેટલા વૃક્ષોને ધરાશાયી કરવામાં આવશે. અગાઉ પણ સેક્ટર-૨૧  પાસે રોડ નં. ૬ આગળ લીલુછમ વૃક્ષ જમીનદોસ્ત કરાયું હતું ત્યાર તે વૃક્ષ પણ આરક્ષિત વન વિસ્તારમાં સમાવિષ્ટ હતું તેને પણ તંત્ર દ્વારા બક્ષવામાં આવ્યું નહોતું. ત્યારે આવી પ્રવૃત્તિને રોકવામાં વન વિભાગ સદંતર નિષ્ફળ રહ્યું છે. એથી વધુ કહી તો વન વિભાગની રહેમનજર હેઠળ આ વૃક્ષ છેદનની પ્રવૃતિ થઈ રહી છે. જો આ જ રીતે આવી પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિઓ શહેરમાં યથાવત રહી તો ગાંધીનગરના માથેથી ગ્રીન સીટીનો તાજ ઉતારી લેવાશે! તમામ વિવિધ પ્રકારના વૃક્ષો જે પાટનગરમાં જોવા મળે છે તે આવનાર દિવસોમાં જોવા નહિ મળે. અને નજગરજનોને ભવિષ્યમાં અવનવા વૃક્ષો જોવા ગ્રામ્ય વિસ્તાર તરફ ડગ માંડવા પડશે.

(5:26 pm IST)