Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

ગાંધીનગરમાં બેન્કના કર્મચારીની ઓળખ આપી યુવાન પાસેથી ઓટીપી મેળવી ઠગે 79 હજાર ટ્રાન્સફર કરી લેતા પોલીસ ફરિયાદ

ગાંધીનગરઃ હાલમાં ઓનલાઈન છેતરપીંડીની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેર નજીક આવેલા સરગાસણમાં રહેતાં યુવાનને મોબાઈલ ઉપર બેન્કના કર્મચારી તરીકે ઓળખ આપી ક્રેડીટ કાર્ડની વિગતો મેળવી લીધી હતી અને કાર્ડ બંધ થઈ જશે તવી ચીમકી આપીને આવેલો ઓટીપી નંબર માંગ્યો હતો. ત્યારબાદ યુવાનના ખાતામાંથી  ૭૯૯૯૫ રૃપિયા ટ્રાન્સફર થઈ ગયા હતા. જેથી આ મામલે સાયબર ક્રાઈમમાં તજવીજ શરૃ કરી છે.  

રાજયમાં છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન છેતરપીંડીની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ગાંધીનગર જિલ્લો પણ તેમાં બાકાત નથી. બેન્ક કર્મચારીના નામે અથવા તો અન્ય કોઈ લોભામણી લાલચો આપીને અવારનવાર ગઠીયાઓ લોકોના ખાતામાંથી રૃપિયા ઉપાડી લેતાં હોય છે ત્યારે શહેર નજીક આવેલા સરગાસણમાં રહેતાં અને ખાનગી વ્યવસાય કરતાં યુવાનને પણ આ પ્રકારના સાયબર ગઠીયાઓનો ભેટો થઈ ગયો હતો. ગઈકાલે યુવાનને મોબાઈલ ઉપર એક વ્યક્તિનો ફોન આવ્યો હતો અને પોતે બેન્કનો કર્મચારી હોવાની ઓળખ આપી હતી. ત્યારબાદ યુવાનના ક્રેડીટ કાર્ડ બંધ થઈ જશે તેમ કહી તેનો નંબર મેળવીને તેના મોબાઈલ ઉપર એક ઓટીપી મોકલ્યો હતો અને તે નંબરના આધારે યુવાનના ખાતામાંથી ૭૯૯૯૫ રૃપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. જેથી થોડા સમય પછી આ યુવાનને છેતરાયાનો અહેસાસ થયો હતો અને આ મામલે  સાયબર ક્રાઈમમાં અરજી આપી હતી. જેથી પોલીસે ગુનો દાખલ કરવા માટેની તજવીજ શરૃ કરી છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં અવારનવાર આ પ્રકારની ચોરીની ઘટનાઓ બનતી જ રહે છે અને પોલીસમાં ફરીયાદો પણ નોંધાતી રહે છે પરંતુ હજુ સુધી સાયબર ગઠીયાઓ પોલીસના હાથ આવ્યા નથી. પરપ્રાંતમાં બેસીને નાગરિકોની વિગતો મેળવી છેતરપીંડી કરતી આ ગેંગને પકડવા માટે પોલીસ ભવનમાંથી મોટો સેલ બનાવવાની જરૃર છે.

(5:27 pm IST)