Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

આણંદમાં વિધવાની જમીન ખોટા પેઢીનામા બતાવી પચાવી પાડવાનું કાવતરું રચનાર ચાર શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ

આણંદ : આણંદ શહેરની એક વિધવાને પુત્રી હોવા છતાં તેણીના પતિને નિર્વંશ બતાવી ખોટી એફીડેવીટો તેમજ પેઢીનામા બનાવી નામો કમી કરાવી કિંમતી જમીન પચાવી પાડવાનો કારસો રચતા વિધવાએ ભાલેજ પોલીસ મથકમાં કારસો રચનાર ચાર શખ્શો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. ભાલેજ પોલીસે ચારેય શખ્શો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આણંદ શહેરના કૈલાસ ફાર્મ રોડ ઉપર આવેલ સિધ્ધિ વિનાયક પાર્ક ખાતે રહેતા મનીષાબેન રાજેન્દ્રકુમાર પટેલની ભાલેજ ગામની સીમમાં સર્વે નં.૩૯૦-અ, ૩૯૦-બ તેમજ ૯૧૦ વાળી સંયુક્ત માલિકીની જમીન આવેલી છે. મનીષાબેનને પ્રથમ પતિ રાજેન્દ્રકુમાર થકી એક પુત્રી છે. તેમ છતાં ભાલેજ ખાતે રહેતા અરવિંદભાઈ અંબાલાલ પટેલે તા.૩ ફેબુ્રઆરી, ૨૦૧૮ થી તા.૬ ઓગષ્ટ, ૨૦૧૮ દરમ્યાન ખોટી એફીડેવીટ તેમજ પેઢીનામા બનાવ્યા હતા. જેમાં રાજેન્દ્રભાઈને અપરિણીત અને નિર્વંશ બતાવી ભાલેજ ગ્રામ પંચાયત તથા ઉમરેઠની મામલતદાર કચેરીમાં તેનો ઉપયોગ કરી સંયુક્ત માલિકીવાળી જમીનમાંથી નામ કમી કરાવી નાખ્યું હતું. 

એફીડેવીટ તેમજ પેઢીનામું ખોટુ હોવામાં જીતેન્દ્રભાઈ મણીલાલ પટેલ, હરીશ રાવજીભાઈ પટેલ તથા પંકજ ઈશ્વરભાઈ પટેલે સાક્ષીઓ તરીકે સહીઓ કરી હતી. આ બનાવ અંગે મનીષાબેન રાજેન્દ્રકુમાર પટેલે અરવિંદભાઈ અંબાલાલ પટેલ, જીતેન્દ્રભાઈ મણીલાલ પટેલ, હરીશ રાવજીભાઈ પટેલ અને પંકજ ઈશ્વરભાઈ પટેલ (તમામ રહે.ભાલેજ) વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા ભાલેજ પોલીસે ચારેય શખ્શો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

(5:28 pm IST)