Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

સુરતના વરાછામાં લોકોને પૈસા ડબલ કરવાની લાલચ આપી 25 લાખની ઠગાઈ આચરનાર ઠગના જામીનની અરજી અદાલતે નામંજૂર કરી

 

સુરત :વરાછા મીની બજાર ખાતે પી.પ્રવિણકુમાર એન્ડ કંપનીના નામે બોગસ આંગડીયા પેઢી ખોલીને એજન્ટ મારફતે ફરિયાદી તથા સાક્ષીઓને નાણાં રોકાણ કરવાની લાલચ આપીને 25 લાખના ઠગાઈના ગુનાઈત કારસામાં સક્રીય ભૂમિકા ભજવનાર અમદાવાદવાસી આરોપીની આગોતરા જામીનની માંગને આજે એડીશ્નલ સેશન્સ કોર્ટે નકારી કાઢી છે.

વરાછા મીની બજાર  સ્થિત વૈભવ ચેમ્બર્સમાં પી.પ્રવિણકુમાર એન્ડ કંપનીના નામે બોગસ આંગડીયા પેઢી ખોલીને આરોપી અશોક ભંવરલાલ શાહ,કનુભાઈ ઉર્ફે કે.કે.કાશીરામ પટેલ,નવીન અમૃત્તલાલ દોશી સહિત નાસતા ફરતા આઠ આરોપીઓએ એજન્ટ મારફતે નાણાં ડબલ કરવાના નામે ફરિયાદી બાબુ કાલપ્પા ભંડારી(રે.ઝવેર નગર સોસાયટી,ભરુચ)  તથા સાક્ષીઓ પાસેથી કુલ રૃ.25 લાખનું રોકાણ કરાવી ઠગાઈનો કારસો રચ્યો હતો.

આરોપીઓએ એકબીજાના મેળા પિપણામાં 20-4-21  થી28-4-21 દરમિયાન ફરિયાદી તથા સાક્ષીઓ પાસેથી રોકાણના નામે નાણાં મેળવી આંગડીયા પેઢી બંધ કરીને ગુનાઈત ઠગાઈનો કારસો રચવા બદલ વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવતા ઉપરોક્ત ત્રણ આરોપીઓની ધરપકડ કરી જેલભેગા કરવામાં આવ્યા છે.જ્યારે અન્ય આરોપીઓ હજુ પોલીસ પહોંચથી દુર હોઈ આ કેસમાં મૂળ બનાસકાંઠા ડીસાના વતની આરોપી મીત નવીન દોશી (રે.ચંદ્રમૌલી ફ્લેટ,નવરંગપુરા,અમદાવાદ)એ પોલીસ ધરપકડથી બચવા આગોતરા જામીન માંગ્યા હતા.જેના વિરોધમાં એપીપી તેજસ અશોકકુમાર પંચોલીએ જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાની તપાસ નાજુક તબક્કામાં છે.હાલમાં આ કેસના આઠ આરોપીઓની ધરપકડ કરવાની બાકી હોઈ સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની તથા પોલીસ તપાસ અને સમાજ પર વિપરિત અસર પડે તેમ છે. કોર્ટે મીત દોશીની ગુનામાં સક્રીય સંડોવણી હોઈ આરોપીની કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન  જરૃરી હોવાનો નિર્દેશ આપી આગોતરા જામીનની માંગને નકારી કાઢી હતી.

(5:29 pm IST)