Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં દારૂના જથ્થા સાથે પોલીસે એક મહિલા બુટલેગરને ઝડપી પાડી

વડોદરા: શહેરના કારેલીબાગ વિસ્તારમાં જાહેરમાં ખુરશીઓ નાંખી દારૂનું વેચાણ કરતી મહિલાને પીસીબી પોલીસે દારૂના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે નોંધનીય છે કે, આ ઘટનામાં સ્થાનિક પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી છે. કારણ કે  સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને મળેલી માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ અંગેની વિગત એવી છે કે, સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે અત્રેની પીસીબી પોલીસને ફેક્સ કરી જાણ કરી હતી કે, કારેલીબાગ વિસ્તારમાં આર્યકન્યા વિદ્યાલય પાછળ પાર્વતીની કીર્તન સોસાયટીમાં પ્રીતિબેન જાહેરમાં ખુરશીઓ નાંખી દેશી વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેના આધારે પીસીબી પોલીસની ટીમે દરોડો પાડી પ્રીતિબેન મનોજભાઈ કહાર (રહે - પાર્વતીનિકેતન સોસાયટી, આર્યકન્યા વિદ્યાલય પાછળ, કારેલીબાગ)ને ઝડપી પાડી હતી. પ્રીતિ કહાર જે ખુરશી ઉપર બેઠી હતી. તે ખુશીથી નીચેથી તેમજ તેના ઘરમાંથી પણ દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે દરોડા દરમિયાન ભારતીય બનાવટની વિદેશી દારૂની 62 બોટલ તથા વહીસ્કીના 24 પાઉચ મળી કુલ 8600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે દારૂનો જથ્થો આપનાર અજાણ્યા શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે .અત્રે ઉલ્લેખનીય છે કે પોશ વિસ્તારમાં આ પ્રકારે દારૂનું વેચાણ સ્થાનિક કારેલીબાગ પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા કરે છે. અગાઉ દારૂના ધંધાની હરિફાઇમાં બુટલેગરો વચ્ચે ઝઘડા થઈ ચૂક્યા છે. જેમાં પ્રીતિકહાર અને તેના પતિ મનોજ કહારની પણ સંડોવણી બહાર આવી હતી. અગાઉ અનેક વખત દંપતીની પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ થઈ ચૂકી છે. પરંતુ આ દરોડા પરથી આજે પણ પ્રવૃત્તિ યથાવત્ હોવાનું સ્પષ્ટ થાય છે.

(5:31 pm IST)