Gujarati News

Gujarati News

News of Friday, 19th March 2021

હવે કમલમના કાર્યાલયેથી ચાલતુ કળીયુગનું શાસન - માથુ વઢાશે તો વાંધો નહિ, માથું ઝૂકાવીશું નહી...

સંવિધાનના સોગંધ ખાનારા સિપાહીઓને સરકારે ગુલામ બનાવ્યા : પરેશ ધાનાણી

ગુજરાતની ગલી-ગલીએ ગુંડાઓનું રાજ છે ત્યારે અસામાજીક તત્વોને મોકળુ મેદાન આપી અને સામાજીક લોકોને જેલમાં ધકેલવાની ધમકી શા માટે : વિરોધ પક્ષના નેતાનો આક્રોશ

રાજકોટ તા. ૧૯ : વિધાનસભામાં ગૃહ વિભાગની સર્ચામા ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુકત સુશાસન આપવાની વાતો કરનાર રાજયની ભાજપ સરકાર સંવિધાનના સોગંધ ખાનારા સિપાહીઓને સરકારે ગુલામ બનાવીને વિધાનસભામા વિરોધપક્ષનો અવાજ કચડીને પ્રજાને ડરાવી રહી હોવાનું વિરોધપક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણીએ વિધાનસભામાં જણાવ્યું હતું.

શ્રી ધાનાણીએ રાજયમા કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિનો ચિતાર આપતા આકરી ઝાટકણી કાઢી હતી. રાજયની પ્રજાના જાનમાલ, સુખ, શાંતી, સલામતી અને સુરક્ષાની જવાબદારી સરકારની છે ત્યારે ગુજરાતમાં ૨૫ વર્ષથી ભાજપનાં એક હથ્થુ શાસનમાં લુંટ, ખૂન, ધાડ, ચોરી, બળાત્કાર સહિતના ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને ગલીએ-ગલીએ ગુંડાઓનું રાજ છે ત્યારે અસામાજિક તત્વોને મોકળું મેદાન આપી અને સામાજિક લોકોને જેલમાં ધકેલવાની ધમકી અપાઈ રહી છે અને સામાન્ય માણસ ભયના ઓથાર નીચે થરથર કાપતો હોય એવી કટોકટીની સ્થિતીનુ નિર્માણ ગુજરાતમાં થયુ છે. અને બીજી તરફ સરકાર સબ સલામતની ગુલબાંગો કરી રહી છે. રાજયમાં ભૂ-માફિયા, મિલકત માફિયા, ખનીજ માફિયા, ડ્રગ્સ માફિયા, વ્યાંજકવાદ અને ખંડણીખોરોએ માજા મૂકી છે ત્યારે પ્રજા ત્રાહીમામ પોકારી રહી છે. ત્યારે આજે ક્રાઈમ રેટ માં ગુજરાત રાજય કેરલ કરતા પણ આગળ થઇ ગયું છે.

રાજયમાં ૬૫૨૩૭ કિલો થી વધુ ગૌમાસનો જથ્થો પકડાયો હોવાનું સરકારે સ્વીકાર્યું છે. પરંતુ એના ૧૩૨ જેટલા ગુનેગારોને પકડવામાં આવતા નથી. ગુજરાતમાં ગલીએ ગલીએ દારૂની રેલમછેલ છે. ત્યારે ૨૧૫ કરોડનો દેશી-વિદેશી દારૂ પકડાયો તેમજ ૬૮.૬૦ કરોડના અફીણ, ગાંજો, ચરસ, પોશડોડા, હેરોઇન, મફેડ્રોન જેવાં માદક પદાર્થો પકડાયા તેમ છતાં ૪૫૪૫ આરોપીઓ પકડવાના બાકી છે. રાજયમાં ૨ વર્ષ દરમ્યાન ૩૦૩૫ મર્ડર, ૫૯૦૩ અપહરણ થયા છે.

સમગ્ર ગુજરાતમાં સરેરાશ ૩૦૦ દિવસ સુધી સરકારી જાહેરનામાં હેઠળ કલમ-૧૪૪ નું સામ્રાજય રાખનાર સરકારે કોરોનાકાળ દરમ્યાન વ્હાલા-દવલાની નીતિ અને કાયદાના અલગ-અલગ કાટલાથી સમગ્ર ગુજરાતમાં રાજકીય અત્યાચાર વધારાયો છે. સરકારી ઉત્સવોમાં ટોળાશાહીને સલામ ઠોકનારી પોલીસ દ્વારા સામાન્ય માણસો પાસેથી આકરા દંડ વસુલાય છે. રાજયમાં ૨૩ લાખથી વધુ લોકો પાસેથી ૧૧૪ લાખનો માસ્કનો દંડ વસુલીને લોકોના ખિસ્સા ખંખેરવાનું કામ આ સરકારે કર્યું છે.

રાજયમાં ફિકસ પગાર, કરાર અને આઉટસોર્સથી નોકરીઓના કારણે પ્રજાનું રક્ષણ કરનારાઓ પોતે જ સલામત નથી ત્યારે તેઓની ચિંતા કરતા વિપક્ષ નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે રાજયમાં વિવિધ સંવર્ગના પોલીસ કર્મચારીઓ ઉપર ઓવરટાઈમ અને અપૂરતા પગારના કારણે પરિવારના શિક્ષણ, આરોગ્ય અને રહેઠાણની ખુબજ મોટી સમસ્યા ઉભી થઇ છે. રાજયમા ગૃહ વિભાગની ખાતાકીય અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખુબજ વિલંબ અને પરીક્ષાઓમાં ગોટાળા થઇ રહ્યા છે ત્યારે સરકાર તાત્કાલિક ધોરણે પોલીસ ખાતાની ખાતાકીય પરીક્ષાઓ, પીએસઆઈ, કોન્સ્ટેબલ, લોકરક્ષક વગેરે ભરતીઓ તાત્કાલિક કરવા સરકારને રજૂઆત કરી હતી.

રાજયમાં પોલીસ દ્વારા લોકોને ખોટી કનડગત થઇ રહી હતી ત્યારે સરકારનું અવારનવાર ધ્યાન દોર્યું હતું પરંતુ સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. લોકડાઉનમાં થયેલ કેસો પાછા લેવા વિનંતિ કરી તેમજ ૨ લાખ થી વધુ મોટર સાયકલ પોલીસ સ્ટેશનમાં રાખી છે તેનો કરોડો રૂપિયા દંડ પહોંચ આપ્યા વગર જ વસુલ્યા પછી પણ ધૂળ ખાય છે. સરકાર દ્વારા પોલીસ તંત્રનો દુરઉપયોગ કરીને કિસાન કોંગ્રેસનાં નેતા પાલભાઈ આંબલીયાને ઝાડનું થડ પકડાવી ને અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો, ધારાસભ્ય હર્ષદ રીબડીયા એ કેશોદ નગરપાલિકા પ્રમુખ ઉપર કેસ નોંધાવા કહ્યું પણ સરકારે ન કર્યું, તલવાર થી કેક કાપનાર લોકો સામે ફરિયાદ દાખલ ન કરી ને બચાવાયા, ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીની ફરિયાદો સરકાર સાંભળતી નથી. અમરેલી ખાતે ૧૫ લાખ લોકોને બચાવવા અમરેલી સિવિલ હોસ્પિટલમાં વિરોધપક્ષ નેતા એકલા પ્રતિક ધરણા કરે તો આ સરકાર પકડીને પોલીસ સ્ટેશન લઇ જાય. જયારે વેપારીઓના સ્વૈચ્છિક બંધમાં વિપક્ષનેતા અમરેલીની બજારમા એકલા નીકળે તો પોલીસ તેની પાછળ ચોરને પકડવા જાય એમ પાછળ દોડે. લોકડાઉનમાં જયારે ભાજપા વાળા ઘરમાં પુરાઈ ગયા હતા ત્યારે અમે ભૂખ્યાને ભોજન આપીને સેવા કરતા હતા તોય પોલીસ તંત્ર દંડાના જોરે ઘર માં બેસાડવાનું પાપ કર્યું હતું. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ નાં આગલા દિવસે દસ હજાર થી વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓને ખોટી અરજીઓ કરીને પોલીસ સ્ટેશન માં બેસાડી દેવાયા હતા. આમ સત્તાના મદમાં ભાન ભૂલેલા શાષકોએ હવે સ્વૈચ્છિક ધરણા-ઉપવાસ-આંદોલન-રેલી કે અહિંસક આંદોલન થકી અસમંતીના અધિકારો ઉપર આક્રમણ કર્યું છે. સરકારી તંત્રનો દુરૂપયોગ કરીને ચુટણી તો જીતી ગયા છો. ત્યારે સરકારી તંત્રનો દુર ઉપયોગ કરીને સદામ કે ગદાફી પણ ચુંટણી જીતતા, પણ શુસાસન નો અભાવ હતો.

હવે કમલમની કાર્યાલયેથી ચાલતું કળીયુગનાં શાશન સામે 'માથું વઢાશે તો વાંધો નહિ, પણ માથું ઝૂકાવીશું નહી'. દાંડીયાત્રા એ સવિનય કાનુન ભંગની પહેલી લડાઈ લડી હતી. ત્યારે અમે ગુંડારાજ, દંડારાજ અને રાજકીય અત્યાચાર વિરૂધ્ધ સવિનય કાનુનભંગનો સામુહિક સંકલ્પ કર્યો છે.

પૂ. ગાંધી, સરદાર અને જવાહર સહીત અમારા બાપદાદાઓએ આઝાદી માટે જેલ ભર્યાનું અમને ગૌરવ છે. પરંતુ ભાજપના કયાં-કયાં બાપદાદાઓએ જેલમાંથી છુટવા માટે અંગ્રેજોની માફી માંગી હતી.? એ જાણવાનો સમગ્ર ગુજરાત ને અધિકાર છે. એવું વિપક્ષ નેતા શ્રી પરેશ ધાનાણી એ જણાવ્યું હતું.

(12:52 pm IST)