Gujarati News

Gujarati News

News of Friday, 19th March 2021

કલોલ તાલુકાના પલોડીયા ગામે કંપનીમાં જીએસટીના દરોડા:33.71 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપવામાં આવ્યો

કલોલ:તાલુકાના પાલોડીયા ખાતે આવેલી ઈલેકટ્રોથર્મ કંપનીમાં જીએસટીના દરોડા દરમ્યાન પાર્કીંગમાં ઉભેલા ટ્રકમાંથી મોંઘીદાટ બ્રાન્ડની વિદેશી દારૃની ૮૯૮ બોટલો સાથે ૩૩.૭૧ લાખનો મુદ્દામાલ સાંતેજ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો. જે સંદર્ભે કંપનીના માલિક શૈલેષ ભંવરલાલ ભંડારી સામે ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. ત્યારે આ ગુનાની તપાસ ગાંધીનગર એલસીબી પીઆઈ એચ.પી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.કે.રાઠોડ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. જેમાં તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું કે દારૃ સંદર્ભે કંપનીના ત્રણ કર્મચારીઓની પણ સંડોવણી છે જેના પગલે અમદાવાદના સેમ્યુઅલ ઉર્ફે રાજુ બેન્જામીન ક્રિશ્ચિયન રહે.વટવા, મનીષ ચંદ્રકાંતભાઈ પરમાર રહે.ઘનશ્યામ કોમ્પલેક્ષ ચાંદલોડીયા અને કંપનીમાં રહેતા વિભુતી ઉર્ફે મખ્ખન ચીતરંજન ખટુઆને ઝડપી લેવામાં આવ્યા હતા. જીએસટીના દરોડાની ગંધ આવી જતાં શૈલેષ ભંડારીએ કંપનીના ગેસ્ટહાઉસ વ્રજ બંગલો નં.૮માં આ દારૃનો જથ્થો રાખ્યો હતો જેને સગેવગે કરવામાં આ કર્મચારીઓની મદદ લીધી હતી. હાલ તો પોલીસે આ ત્રણેની અટકાયત કરીને વધુ તપાસ શરૃ કરી છે. 

(5:22 pm IST)