Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

GST ચોરીનું રાજ્‍યવ્‍યાપી કૌભાંડ ડમી કંપનીઓનો આંકડો ૯૦૦ને પાર

આરોપી અકરમ અને યાસીન અંકલના રિમાન્‍ડ આજે પુરા થશે : તપાસની રણનીતિ અંગે એસ.આઇ.ટી.ની બેઠક મળશે : બંને આરોપીઓને લઇને ભાવનગર જશે જ્‍યાં સ્‍થાનીક પોલીસને કસ્‍ટડી સોંપશે

વડોદરા,તા. ૧૯ : જી.એસ.ટી. ચોરીના રાજય વ્‍યાપી કૌભાંડમાં વડોદરા અને ભાવનગર પોલીસ દ્વારા સમાંતર રીતે ચાલી રહેલી તપાસમાં ડમી કંપનીઓનો આંકડો ૯૦૦ને પાર થયો હોવાનુ સપાટી ઉપર આવ્‍યુ છે. ઈકોનોમી ક્રાઈમ સેલ દ્વારા ભાવનગરથી ટ્રાન્‍સફર વોરંટથી ધરપકડ કરીને લવાયેલા બે આરોપીઓના પોલીસ કસ્‍ટડી રીમાન્‍ડ પુરા થઈ રહયા છે. આરોપીઓની કસ્‍ટડી પાછી સોંપવા માટે તેમજ તપાસ કરવા માટે પોલીસની એક ટીમ ભાવનગર જવા રવાના થશે. જયાં આગળની તપાસ અંગેની સંયુક્‍ત રણનિતિ અંગે એસ.આઈ.ટી.માં ચર્ચા કરશે. રાજય સરકારના ટેક્‍સની ચોરી કરવા માટે વ્‍હાઈટ કોલર ક્રિમીનલો દ્વારા ભાવનગરથી રાજયવ્‍યાપી નેટવર્ક ઓપરેટ કરવામાં આવતુ હતુ. ટેક્‍સ ચોરી કરવા માટે રાજયના કોઈ પણ શહેરમાં આડેધડ સરનામાવાળા બોગસ ડોક્‍યુમેન્‍ટસ આધારે જી.એસ.ટી. પોર્ટલ ઉપર ઓન લાઈન રજિસ્‍ટ્રેશન કરવામાં આવતુ હતુ. વડોદરા શહેરના વિવિધ સરનામે ખોલવામાં આવેલી ૬ ડમી કંપનીઓના નામે રૂ. ૧૬૧ કરોડનો ધંધો જી.એસ.ટી.ના ચોપડે ચઢાવામાં આવતાં વડોદરા પોલીસ સક્રીય થઈ હતી. આ ષડયંત્રના સીલસીલામાં વડોદરા ઈકોનોમી ક્રાઈમ સેલ દ્વારા અત્‍યાર સુધી ૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અત્રેની પોલીસની કસ્‍ટડીમાં હાલ પોલીસ કસ્‍ટડી રિમાન્‍ડ ઉપર રહેલાં આરોપી યાસીન ઉર્ફે અંકલ ઈસ્‍માઈલ મગરબી (રહે, સફક પાર્ક, લીમડીવાડ સડક, સાંઢીયાપુરા,ભાવનગર) તેમજ અકરમ અબ્‍દુલ્લા અત્‍યાન (આરબ) (રહે, ભદ્રોદનો ઝાંપો, ખાટકીવાડ, મહુવા, ભાવનગર)એ જ ૧૫૦દ્મક વધુ ડમી કંપની અંગેના બોગસ ડોક્‍યુમેન્‍ટસ બનાવી આપ્‍યા હતા. ભાવનગર પોલીસે પણ જી.એસ.ટી.ચોરીના સંદર્ભમાં ૩૯ આરોપીઓને ઝડપી પાડયા છે. અકરમ અને યાસીન અંકલના પોલીસ કસ્‍ટડી રિમાન્‍ડ બપોરે એક વાગે પુરા થઈ રહયા છે. ઈકોનોમી ક્રાઈમ સેલની એક ટીમ જે બંન્ને આરોપીઓને લઈને ભાવનગર જશે જયાં સ્‍થાનીક પોલીસને કસ્‍ટડી સોંપશે

 

 

(10:29 am IST)