Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

ભાવનગરનાં બે બિલ્‍ડરો સામે ‘રેરાનું શષા' : જેલમાં જવું પડયું : પ્રથમ ઘટના

નબળુ બાંધકામ અને લિફટ ન મૂકતા કાર્યવાહી

અમદાવાદ તા. ૧૯ : ગુજરાતના ભાવનગરમાં નબળા બાંધકામ અને બિલ્‍ડીંગમાં લીફટ મુકવામાં નિષ્‍ફળતાના કારણે બે બિલ્‍ડરોએ રેરાની સીવીલ જેલમાં જવાનો વારો આવ્‍યો છે. રેરાની સીવીલ જેલમાં કોઇ બિલ્‍ડર ૪ દિવસથી વધારે રહ્યા હોય એવી આ પ્રથમ ઘટના છે. બિલ્‍ડર બેલડીની ઓળખ બાબુભાઇ વેલજીભાઇ બારૈયા અને હસમુખભાઇ શાંતિલાલ મેર તરીકે થઇ છે. જેઓ ભાવનગરમાં રૂદ્ર ડેવલપર્સમાં ભાગીદાર છે અને અત્‍યારે રેરા ઓફિસમાં જ આવેલી સીવીલ જેલમાં છે. રેરાની ઓફિસમાં જેલ ધરાવતી દેશની આ પ્રથમ ઓફિસ છે. એડજયુડીકેટીંગ ઓફિસર (એઓ) પીઆઇ પટેલે વોરંટ ઇસ્‍યુ કર્યા પછી બંનેને ૩૦ દિવસની સજા ફરમાવી હતી. ૧૨ મે એ એઓએ તેમને રેરા તરફથી અપાયેલ હુકમના અનાદર બદલ સજા ફટકારી હતી.

નાગરિકોને મિલકતને લગતા કાયદાઓથી રક્ષણ આપવાની સાથે રોકાણને પ્રોત્‍સાહન પૂરૂં પાડવા માટે ગુજરાત રીયલ એસ્‍ટેટ રેગ્‍યુલેટરી ઓથોરીટી એટલે કે ગુજરેરા કાર્યરત છે. આ સત્તામંડળ હેઠળ નાગરિકોની મિલકતને લગતા પ્રશ્નોના ઉકેલ લાવી જે તે બિલ્‍ડર્સ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે. જેમાં નિયમોનો ભંગ કરવામાં આવતા ભાવનગરના બિલ્‍ડર્સને જેલની સજા ફટકારવામાં આવી છે.

તાજેતરમાં જ ગુજરેરાના હુકમનો અનાદર કરી મકાન ખરીદનાર નાગરિકોને નબળા બાંધકામ, પૂરતી સુવિધાઓ પૂરી ન પાડવા બદલ ભાવનગરના બિલ્‍ડર્સને ૩૦ દિવસ કેદની સજા ફટકારવામાં આવી છે, તેમ ગુજરાત રીયલ એસ્‍ટેટ રેગ્‍યુલેટરી ઓથોરીટીના સચિવની યાદીમાં જણાવવામાં આવ્‍યું છે, વધુમાં જણાવ્‍યાનુસાર નાગરિકો દ્વારા ભાવનગરના રૂદ્ર રેસીડેન્‍સી' પ્રોજેક્‍ટના ફલેટમાં બાકી કામો જેવા કે લિફટ, પાર્કીંગ, નબળા અને હલકા પ્રકારનું બાંધકામ અંગે ગુજરાત રેરામાં ફરિયાદ દાખલ કરાઈ હતી. જેને ધ્‍યાને લઈ ઓથોરીટી દ્વારા બન્ને પક્ષકારોને પૂરતી તક આપી રૂદ્ર ડેવલપર્સ પ્રોજેકટમાં એ,બી,સી,ડી ચાર વિંગમાં ચાર લિફટ ત્રણ માસમાં પૂરી પાડવા હુકમ કરવામાં આવ્‍યો હતો.

પરંતુ સમયમર્યાદામાં આ સુવિધા પૂરી પાડવામાં ન આવતા ફરિયાદીઓ દ્વારા રેરા ઓથોરીટીમાં રૂદ્ર રેસીડેન્‍સીના ડેવલોપર્સ સામે એક્‍ઝીક્‍યુશન પીટિશન દાખલ કરવામાં આવી હતી.

 

 

 

(10:37 am IST)