Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

પાસપોર્ટની જબરી માંગના કારણે તત્‍કાલ ક્‍વોટા વધારીને ૩૦ ટકા કરાયો

રાજ્‍યના પાસપોર્ટ સેવા કેન્‍દ્રો ૨૦ મેથી શનિવારે પણ કામ કરશે

અમદાવાદ તા. ૧૯ : પાસપોર્ટની વધી રહેલી માંગના કારણે સત્તાવાળાઓએ તત્‍કાલ પાસપોર્ટનો ક્‍વોટા ૨૦ ટકાથી વધારીને ૩૦ ટકા કરી નાખ્‍યો છે. અર્જન્‍ટ પાસપોર્ટ અરજીઓનું રીજયોનલ પાસપોર્ટ કચેરી ઉપર ઉભું થયેલ દબાણ હળવું કરવાના ઉદ્દેશથી આવો નિર્ણય લેવાયો છે. કોરોના મહામારી પછીથી નવા પાસપોર્ટ અને રીન્‍યુઅલ અરજીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના જવાબમાં રીજયોનલ પાસપોર્ટ ઓફિસ અરજન્‍ટ અરજીઓના ઝડપી નિકાલને પ્રાયોરીટી આપી રહી છે.

વધુમાં ૨૦ મે ૨૦૨૩થી ૧૯ પોસ્‍ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્‍દ્રો (પીઓપીએસકે) દર શીનવારે પાસપોર્ટની અરજીઓ સ્‍વીકારવાનું શરૂ કરશે. રીજયોનલ પાસપોર્ટ ઓફિસર રેન મિશ્રાએ જણાવ્‍યું ‘પાસપોર્ટ અરજીઓ હાલમાં વધી ગઇ છે. અત્‍યારે અમે રોજ ૪૮૦૦ વ્‍યકિતઓની એપોઇન્‍ટમેન્‍ટ શેડયુલ કરીએ છીએ. જેમાંથી ૩૫૦૦થી ૩૬૦૦ લોકો નવી અરજી અથવા રીન્‍યુઅલ અરજીવાળા હોય છે અને ૫૦૦ જેટલી અરજીઓ અરજન્‍ટ હોય છે.'

મિશ્રાએ વધુ વિગતો આપતા કહ્યું ‘પ્રક્રિયાને ઝડપી બનાવવા રાજ્‍યભરમાં ૧૯ પોસ્‍ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્‍દ્રો સોમવારથી શુક્રવાર દરમિયાન અરજીઓ સ્‍વીકારે છે. આ કેન્‍દ્રોમાં રોજની ૧૦૦૦ જેટલી અરજીઓ આવે છે. અરજીઓના આ મોટા પ્રમાણને ધ્‍યાનમાં રાખીને બધા ૧૯ પીઓપીએસકે ૨૦ મે થી હવે શનિવારે પણ કામ કરશે.' રાજ્‍યના બધા પીઓપીએસકે પર શનિવારે પણ કામગીરી ચાલુ રહેવાથી પાસપોર્ટ ઇસ્‍યુ કરવાનું ઝડપી બનશે.

અર્જન્‍ટ પાસપોર્ટ માટેના રેશીયો વધારવાના નિર્ણયથી વધારે અર્જન્‍ટ પાસપોર્ટ ઇસ્‍યુ થશે. અર્જન્‍ટ પાસપોર્ટ માટે વધારાની રૂપિયા ૨૦૦૦ની ફી ચૂકવવાની હોય છે તેમ છતાં અર્જન્‍ટ એપોઇન્‍ટમેન્‍ટ માટે લાંબો વેઇટીંગ પીરીયડ હોય છે. વડોદરા ઓફિસમાં વેઇટ ટાઇમ ૧૦ થી ૧૧ દિવસ, રાજકોટમાં ૭ થી ૮ દિવસ અને અમદાવાદમાં ૧૨ થી ૧૩ દિવસનો છે

(11:46 am IST)