Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

આજ સાંજથી ત્રણ દિવસ કેવડીયામાં ચિંતન શિબિર વચ્‍ચે કાલે અમિતભાઈનું આગમન મહાનુભાવોની દોડધામ વધારનારૂં બનશે કે શું?

આઈપીએસ લેવલે એક માત્ર મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય જોડાવા રવાના, ચિંતન શિબિર, કાલે કેન્‍દ્રીય મંત્રીનું આગમન, સૌરાષ્‍ટ્ર સહિત તમામ આઈબી યુનિટને એલર્ટ મોડ પર મુકતા અનુપમ સિંહ ગેહલોત : કરકસરના ભાગ રૂપે અલગ અલગ કારને બદલે વિશેષ બસમાં સહુ રવાના થયા

રાજકોટ, તા. ૧૯:  મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે આજે સાંજે કેવડીયા કોલોની ખાતે જેનો શુભારંભ થવાનો છે તેવી ત્રણ દિવસની ચિંતન શિબિરમાં ભાગ લેવા આઈપીએસ લેવલે એક માત્ર રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય ભાગ લેનાર છે, અને તેઓ આજે સવારે રવાના થયાંનું સૂત્રો જણાવે છે. આ માટે વિશેષ બસો રાખવામાં આવી છે, જેથી કલેકટર, ડીડીઓ સહિતના અધિકારીઓ અલગ અલગ કારમાં જવાને બદલે સાથે જોડાય શકે.

સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે યોજાનારી આ શિબિરમાં મુખ્‍યમંત્રી સહિત રાજયમંત્રી મંડળના મંત્રીઓ, મુખ્‍ય સચિવ તેમજ મુખ્‍યમંત્રીના મુખ્‍ય અગ્ર સચિવ, મુખ્‍ય સલાહકાર સહિત વરિષ્‍ઠ અધિક મુખ્‍ય સચિવઓ, સચિવો, અગ્ર સચિવો તથા જિલ્લાના કલેકટર- ડી.ડી.ઓ, મહાનગરોના કમિશ્નરો, ખાતાના વડાઓ એમ કુલ મળીને ૨૩૦ જેટલા લોકો જોડાશે.

આરોગ્‍ય પોષણ સહિત મહત્‍વના મુદ્દાઓ પર જેમાં ત્રણ દિવસ ચિંતન થવાનું છે તેવી આ શિબિર દરમિયાન કાલે અમિતભાઈ શાહ આવી રહ્યા હોવાથી ગૃહમંત્રી અને મુખ્‍ય પોલીસ વડા તેમને આવકારવા માટે આવવાનું થશે કે કેમ? તે બાબત રસપ્રદ છે, સ્‍ટેટ આઈબી વડા અનુપમસિંહ ગેહલોત દ્વારા પણ મહાનુભાવોની મોટી ઉપસ્‍થિતિ ધ્‍યાને રાખી આઈબી યુનિટ એક્‍ટિવ કર્યું છે

(1:31 pm IST)