Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

દસમી ચિંતન શિબર-૨૦૨૩ એકતાનગરઃ પ્રથમ દિવસ: યોગથી કાર્યદક્ષતા, પ્રમાણિક્તા અને પહેલ કરવાની વૃત્તિનો વિકાસ થાય:માનસિક તણાવમાંથી મુક્ત થવાનો શ્રેષ્ઠ ઉપાય યોગ છે

જનતાના ભવિષ્યના ઘડવૈયાઓ અને નીતિનિર્ધારકો તરીકે સૌએ પોતાની કાર્યશૈલી તણાવમુક્ત રહે એ મહત્વનું :એઆઇ એ શક્તિશાળી ટૂલ્સ છે, તેને ભારતીય પરિપ્રેક્ષ્યમાં ઢાળવાની જરૂર છે: સ્ટ્રેસ મેનેજમેન્ટ અને યોગા વે ઓફ લાઇફ ઉપરાંત આર્ટીફિશયલ ઇન્ટેલિન્સ વિષય બે મહત્વપૂર્ણ ચર્ચાસત્ર યોજાયા

અમદાવાદ : એકતાનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં યોજાઇ રહેલી દસમી ચિંતન શિબિરના પ્રથમ દિવસના ઉત્તરાર્ધમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ અને યોગા વે ઓફ લાઇફ ઉપરાંત આર્ટીફિશયલ ઇન્ટેલિન્સ વિષય બે મહત્વપૂર્ણ ચર્ચાસત્રનું આયોજન થયું હતું. આ ચર્ચાસત્રમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, મંત્રી મંડળના સદસ્યો ઉપરાંત વરિષ્ઠ અધિકારીઓ સહભાગી થયા હતા.

સ્ટ્રેસ મેનેજમેન્ટ વિષયે શિબિરાર્થીઓને ઉપયોગી માહિતી માર્ગદર્શન આપતા તજજ્ઞોએ જણાવ્યું કે, રાજ્યની છ કરોડ જનતાના ભવિષ્યના ઘડવૈયાઓ અને નીતિનિર્ધારકો તરીકે સૌએ પોતાની કાર્યશૈલી તણાવમુક્ત રહે એ બાબત ખૂબ જ અગત્યની છે.
કામમાં તણાવ કેવી રીતે આવે છે ? તેની સમજ આપતા જણાવવામાં આવ્યું કે, કેટલીક આંતરિક અને કેટલીક બાહ્ય બાબતોને કારણે આપણે તણાવ અનુભવીએ છીએ. જેની અસર આપણી કાર્યક્ષમતા ઉપર થાય છે. ઓફિસમાં કામ, પારિવારિક બાબતો ઉપરાંત લક્ષ્યાંકો સિદ્ધિ, સેન્સેટિવિટી અને અતિમહત્વાકાંક્ષાઓના કારણે તણાવનો જન્મ થાય છે. માનસિક તણાવ આવવાની શરૂઆત ધીમે ધીમે થાય છે.
માનસિક તણાવના કેટલાક લક્ષણો પણ જોવા મળે છે. જેમાં વારંવાર ભૂલી જવું, વિચારવાયું થવું, ઉદાસીનતા આવવી, સાથી કર્મચારીઓ ઉપર અવિશ્વાસ, સમય મર્યાદા ચૂકી જવી અને અચાનક વર્તનમાં પરિવર્તન આવવા જેવા લક્ષણો માનસિક તણાવના કારણે છે.
ઇશ્વરે આપણામાં એક પોઝિટિવ મિકેનિઝમ મૂકી છે. માનસિક તણાવ વખતે તે કુદરતી વ્યવસ્થા કામ કરે છે. જેમ કે આપણે કોઇ ગંભીર આપત્તિમાં આવી જઇએ ત્યારે દિવ્યાંગ વ્યક્તિ પણ દોડવા લાગે છે. જે કુદરતની વ્યવસ્થા છે. શક્તિના હોય તો પણ આપણામાં એ વખતે અમાપ શક્તિ આવી જાય છે, તેવી રીતે આપણી નર્વસ સિસ્ટમ કામ કરે છે. આવા સમયે આપણા શ્વાસોશ્વાસ વધી જાય, છે. લિવરમાંથી શ્યુગર ડ્રોપ થાય છે. હ્રદયના ધબકારા વધી જાય છે. આ બધી બાબતો આપણને કુદરતે આપી છે.
માનસિક તણાવથી મુક્ત થવા માટે યોગ જેવું કોઇ જ અમોઘ શસ્ત્ર નથી. આપણું શરીર પંચકોષથી બનેલું છે. જેમાં અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય આ કોષ આપણા શરીરમાં છે. યોગ એ શરીર માટે નહીં પણ મનના સ્વાસ્થ્ય છે. વિચારોના સમુહ એટલે મન, મન સ્વસ્થ અને સ્થિર કરવા માટે યોગ એ જ ઉપયોગી છે. મન સ્વસ્થ હશે તો ચંચળતા, એકાગ્રતા અને ધારણા પ્રબળ બનશે.
તજજ્ઞોએ રાજયોગ એટલે કે અષ્ટાંગ યોગ, કર્મ યોગ અને ભક્તિ યોગ તથા જ્ઞાનયોગની આધુનિક સમય પ્રમાણેની વિસ્તૃત સમજ આપી હતી. યોગ કરવાથી જાગૃતતા, સંતોષીપણુ, ખુશાલી, દ્વેષરહિતતા, ઇશ્વરનો અહેસાસ થશે. યોગ કરવાથી કામ કરવાની ક્ષમતા, નિર્ણય લેવાની ક્ષમતામાં વૃદ્ધિ થાય છે. એ વાત યાદ રાખવી જોઇએ કે, એફિસિઅન્ટ, ઓનેસ્ટ અને પ્રોએક્ટિવ અધિકારીઓની સરકારને કાયમ માટે જરૂર રહે છે. આવા અધિકારી બનવા માટે યોગ ચાલકબળ છે
આર્ટીફિશયલ ઇન્ટેલિજન્સ અંગે તજજ્ઞો દ્વારા સરળ સમજ અને માર્ગદર્શન પણ ચર્ચાસત્રમાં આપવામાં આવ્યું હતું. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી. કે, આર્ટીફિશયલ ઇન્ટેલિજન્સ એ વર્ષ ૧૯૪૩થી કોઇના કોઇ રીતે ચાલતું આવે છે. હાલમાં તેનો વ્યાપ વધ્યો છે. જેને સરકારી કામકાજમાં પણ ઉપયોગમાં લઇ શકાય છે.
 કૃષિ, આરોગ્ય, શિક્ષણ, ઉદ્યોગ અને પોલિસિંગમાં તેનો કેવી રીતે ઉ૫યોગ થઇ શકે તેની માહિતી અને સમજ આપવામાં આવી હતી. એઆઇ એ શક્તિશાળી ટૂલ્સ છે. તેને ભારતીય પરિપ્રેક્ષ્યમાં ઢાળવાની જરૂર છે. તેમ કરવાથી છેવાડાના માનવીને પણ સરળતાથી કોઇ પ્રક્રિયામાં સહભાગી બનાવી શકાય છે

(9:05 pm IST)