Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

આકરી ગરમીમાં ડેડીયાપાડા મામલતદાર અને પ્રાંત કચેરીમાં અરજદારોને પીવાના પાણીની કોઈ સુવિધા નથી

કચેરી દ્વારા સ્ટાફ માટે મીનરલ પાણીના જગ મંગાવવામાં આવે છે જયારે અરજદારો માટે કોઈ જ જાહેર વ્યવસ્થા નથી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :ડેડીયાપાડા તાલુકા મથકે આવેલી મામલતદાર કચેરી તેમજ પ્રાંત કચેરીમાં ભર ઉનાળે અરજદારોને પીવાના પાણીની તકલીફ ઊભી થઈ છે. પીવાના પાણી માટેના ઇલેકટ્રિક કુલર મશીન ઘણા સમયથી બંધ થઈ ધૂળ ખાઈ રહ્યા છે.જ્યારે લોકોને પીવા માટેનું પાણી બજારમાંથી વેચાતું લેવું પડે છે. કચેરી દ્વારા સ્ટાફ માટે મીનરલ પાણીના જગ મંગાવવામાં આવ્યા છે જયારે અરજદારો માટે કોઈ જ જાહેર વ્યવસ્થા ન કરાતા અરજદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ દાખલાઓ માટે અરજદારોનો  ઘસારો વધુ હોવાને કારણે બપોરે લોકોને પીવાના પાણી માટે ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે.

 ડેડીયાપાડા તાલુકામાં આવેલી મામલતદાર કચેરીમાં આવતા જાતિના દાખલા, રેશનકાર્ડ, 7-12, 8- અ કઢાવવા, તેમજ પ્રાંત કચેરીમાં આવતા જમીની મહેસુલને લગતા કામો,  તેમજ અન્ય કામો માટે આવતા અરજદારો માટે પીવાના પાણી માટે કોઈ જાહેર વ્યવસ્થા ન હોય લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી માટેના ઇલેકટ્રિક કુલર મશીન ચાલુ હતું તે બગડી જતા હાલ તે સમારકામના અભાવે કચેરીના ખૂણામાં ધૂળ ખાઈ રહ્યું છે. થોડા સમય અગાઉ શાળાઓના રિઝલ્ટ આવતા જાતિના દાખલા તેમજ અન્ય કામો માટે 40 ડીગ્રી તાપમાં લોકો મામલતદાર તેમજ પ્રાંત કચેરીએ આવતા હોય છે.

કેટલીક વાર નેટવર્કના તકલીફને કારણે લોકોની દાખલાઓ માટે કલાકો સુધી લાંબી લાઈનો લાગે છે. ત્યારે પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે લોકોને  તકલીફ પડે છે.  લગભગ 3.5 લાખની વસ્તી ધરાવતા આટલા મોટા ડેડીયાપાડા તાલુકામાં એક જ બિલ્ડીંગમાં મામલતદાર તેમજ પ્રાંત એમ બંને કચેરી આવેલી હોવા છતાં લોકોને પીવાના પાણી માટે તકલીફનો સામનો કરવો પડી રહ્યો હોય ત્યાં પાણીની વ્યવસ્થા થાય તેવી માંગ ઉઠી છે.

(11:01 pm IST)