Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

નર્મદા : જીતગઢ પાસે ટ્રક ખાઈમાં ખાબકી : ચાલકનું મોત:ખુંટાઆંબા પાસે ટ્રક ગરનાળામાં પડતા બે ને ઇજા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં ટ્રક અકસ્માતની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે જેમાં બે દિવસ પહેલા જ બોરીદ્રા ગામ પાસે એક ટ્રક ભેખડ સાથે અથડાતા ચાલકનું મોત નિપજ્યું હતું જ્યારે હાલમાં જીતગઢ ગામ નજીક ટ્રક ઊંડી ખાઈમાં પડતા ચાલકનું મોત થયું હતું જ્યારે કન્ડક્ટરને ઇજા થઈ છે

પ્રાપ્ત વિગતો અનુસાર છાણીયાભાઈ કાળીયાભાઈ વસાવા (હે.જુનારાજ ઢોકામા ફળિયુ તા.નાદોદ )નાઓએ આપેલી ફરિયાદ મુજબ તેઓ ટ્રક નંબર GJ 16 U 9744 મા બેસીને જતા હતા તે સમયે જીતગઢથી જુનારાજ તરફ ઢાળમાં અચાનક ટ્રકની બ્રેક ફેઇલ થઇ જતા ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા તેઓ ચાલુ ટ્રકમા કુદતા ઇજા થઇ છે જ્યારે ટ્રક ઉંડી ખીણમાં પડતા ચાલક અબ્બાસખાન અકબરખાન ખોખર રહે.દોલત બજાર, રાજપીપળા ને શરીરે ગંભીર ઇજાઓ પહોચતા તેનું મોત થયું હોય રાજપીપળા પોલીસે ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
જ્યારે બીજી ઘટનામાં નાંદોદ તાલુકાના ખુંટાઆંબા ગામ પાસે ટ્રકનું ટાયર ફાટતાં ટ્રક ગરનાળામાં પડી,પલ્ટી મારતા બે ને ઇજા થઈ હતી.જેમાં મળતી વિગતો મુજબ રાહુલભાઈ જગાભાઈ મોરી (રહે.રબારી નેસડો, કાનીયાડ તા.જી.બોટાદ )નાઓએ રાજપીપળા પોલીસમાં જાણ કર્યા મુજબ તેઓ પોતાની કબ્જાની ટ્રક નંબર GJ.33.T. 5455માં છોટાઉદેપુર જીલ્લાના હાડોદ ગામે આવેલ કપાસની જીનમાંથી કપાસીયા ભરીને નવસારી ગામે આવેલ શક્તિ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં જતા હોય દરમ્યાન ચાલુ ટ્રકે કંડક્ટર સાઇડનું આગળનું વ્હીલ આકસ્મિક રીતે ફાટતા ટ્રક રોડની બાજુમા ગરનાળામાં પડતા પલ્ટી મારી જતા ટ્રકમા સવાર રાહુલભાઈ જગાભાઈ મોરી તથા ભોલાભાઈ લગધીરભાઈ મકવાણાનો આબાદ બચાવ થયો હતો પરંતુ અકસ્માતમાં બંને શખ્સોને ઈજાઓ થઈ હતી.

(11:05 pm IST)