Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

કોરોનાની ત્રીજી લહેરના કારણે કાપડ ઉદ્યોગની માઠીઃ મિલ માલિકો અને કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓએ શ્રમિકોને નોકરીમાંથી કાઢી મુકતા 1 લાખથી વધુ મજુરો સુરત છોડીને ચાલ્‍યા ગયા

રોજગારી ન હોવાથી અનેક જગ્‍યાએ રજા જાહેરઃ બેના બદલે એક પાળી કરી દેવાઇ

સુરત: સુરતમાં આવેલી કોરોનાની ત્રીજી લહેર કારણે કાપડ ઉદ્યોગની માઠી અસર પડી છે. મિલ માલિકો અને કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ શ્રમિકોને નોકરીમાંથી કાઢી રહ્યાં છે. શ્રમિકો પોતાના વતન પરત જવા મજબૂર થયા છે. અત્યાર સુધી લગભગ 1 લાખથી વધુ લોકો સુરત છોડી ચૂક્યા છે.

નોકરીમાંથી કાઢી દેવાતા શ્રમિકો પોતાના વતન જવા માટે મજબૂર થયા

કોરોનાની બીજી લહેર બાદ સુરતનો કાપડ ઉદ્યોગ માંડ માંડ ટ્રેક પર આવ્યો છે, ત્યારે સમગ્ર દેશમાં ચાલી રહેલી કોરોનાની ત્રીજી લહેરે કાપડ ઉદ્યોગની દશા બગાડી નાંખી છે. દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર લોકોના સ્વાસ્થ્ય અને ઉદ્યોગ બંનેને નુકસાન પહોંચાડી રહી છે. સુરત શહેરમાં કોરોનાના કેસો વધતા કાપડ ઉદ્યોગનો લગ્નસરાનો વેપાર બગડ્યો છે. મિલ માલિકો અને કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ શ્રમિકોની છટણી કરવા લાગ્યા છે. નોકરીમાંથી કાઢી દેવાતા શ્રમિકો પોતાના વતન જવા માટે મજબૂર થયા છે. દેશભરમાં કોરોનાના વધી રહેલા કેસના કારણે લગ્નસરાની સીઝન હોવા છતાં ડિમાન્ડમાં અછત જોવા મળી રહી છે. કાપડ ઉત્પાદનને અસર નોંધવાની શરૂઆત થઈ ગઈ છે. એટલું જ નહીં સરકાર દ્વારા લગ્નસરા માટે પણ SOP જાહેર કરી દેવાતા ડાઈનિંગ, પ્રિન્ટિંગ, મિલો સહિત વિવિંગ એકમોમાં પણ કામ ઘટ્યું છે. જેથી કેટલાક વેપારીઓ છટણી કરી રહ્યા છે. રોજગારી ન હોવાના કારણે યુપી, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, રાજસ્થાનના શ્રમિકો પોતાના વતન જવા માટે મજબૂર થયા છે. અનેક મિલમાલિકોએ 2 દિવસની રજા પણ અઠવાડિયા દરમિયાન જાહેર કરી દીધી છે. તો વિવિંગ યુનિટમાં 2 પાળીની જગ્યાએ એક પાળી કરી દેવામાં આવી છે.

મજૂરોને ઓછા રૂપિયામાં કામ કરવા મજબૂર કરાયા

પાડેસરામાં સાડી ફોલ્ડિંગનું કામ કરનારા કારીગર સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું કે, જ્યારથી કોરોનાની શરૂઆત થઈ છે. આવી જ પરિસ્થિતિનો સામનો અમે કરી રહ્યા છે, જ્યારે પણ કેસો વધે છે અમને કાઢી દેવામાં આવે છે. 6 મહિના પહેલા જ નોકરી લાગી હતી. માલિક 10 થી 12 હજાર રૂપિયામાં નોકરી કરવા કહે છે જે શક્ય નથી. કારણકે 3,000 રૂપિયા હું ઘરનું ભાડું ભરું છું. હવે ગામ જવા સિવાય કોઈ અન્ય વિકલ્પ નથી. BSC કરીને સુરત આવ્યો હતો, તો નોકરી પર આવવાની જરૂર નથી

સુરત જિલ્લા ટેક્સટાઇલ શ્રમિક યુનિયનના પ્રમુખ ઉમાશંકર મિશ્રાએ આ વિશે જણાવ્યું કે, કોરોનાના કેસો વધતા ટેક્સટાઇલ માર્કેટમાં અને કાપડ ઉદ્યોગમાં ઉત્પાદન ઓછું છે. ઉદ્યોગકારો અને વેપારીઓ કામદારોને કાં તો કાઢી રહ્યા છે કાં તો ઓછા પગારે નોકરી કરવા કહી રહ્યા છે. આ અંગે અમને અનેક ફરિયાદો પણ મળી છે. પહેલા હોળી પર શ્રમિકો પોતાના વતન જતા હતા, પરંતુ આ વખતે નોકરી જવાના કારણે હાલ જ વતન જવા માટે મજબૂર થઈ રહ્યા છે.

(5:02 pm IST)