Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

કોંગ્રેસના ધારાસભ્ય-પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કોરોના લડત માટે ૧૦ લાખની ગ્રાન્ટ આપ્યા બાદ હવે અનેક ધારાસભ્યોએ ગ્રાન્ટ ફાળવી

ગાંધીનગર: કોરોનાના કપરા કાળમાં પોઝિટિવ કેસોમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે અને દિનપ્રતિદન પરિસ્થિતિ વધુ કથળતી જાય છે. આવા સમયે માત્ર સરકારી તંત્રના ભરોસે બેસી રહેવાના બદલે સામૂહિક પ્રયાસ કરવો આવશ્યક થઇ પડયો છે. દરેક નાગરિકે પોતાની શક્તિ મુજબની સેવા કરીને કોરોના સામેની લડતમાં સહકાર અને સહયોગ આપવો જરૂરી થઇ પડયો છે, ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ બે દિવસ પહેલા પોતાની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કોરોના મહામારી સામેની લડત માટે 10 લાખની ગ્રાન્ટ ફાળવી હતી. હવે તેમના પગલે પગલે ગઇકાલે કોંગ્રેસના વધુ બે ધારાસભ્યો તથા કોર્પોરેટરે પોતાની ગ્રાન્ટમાંથી કોરોના મહામારીની લડત માટે ગ્રાન્ટ ફાળવીને નવતર પહેલ કરી છે.

આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ ગઇ તા.18મી એપ્રિલના રોજ આણંદના જિલ્લા આયોજન અધિકારીને પત્ર લખીને વર્તમાન સમયમાં કોરોના વૈશ્વિક મહામારીમાં ગામડાંઓમાં ગરીબ અને જરૂરિયાત મંદ દર્દીઓને હોસ્પિટલમાં કોરોના વાયરસ સંક્રમણમાં આવશ્યક એવા રેમડેસિવિર ઇન્જેકશન તેમ કોરોના ટેસ્ટીંગ માટે મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે 10 લાખ રૂપિયાની ધારાસભ્યની ગ્રાન્ટ ફાળવવા દરખાસ્ત કરી હતી.

જેના પગલે પગલે ગઇકાલે 19 એપ્રિલે રોજ અમદાવાદ શહેરના દાણીલીમડા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શૈલેષ પરમારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને જણાવ્યું છે કે, રાજયમાં કોરોનાની સ્થિતિ બેકાબુ બની ગઇ છે. નાગરકો મોટી સંખ્યામાં કોરોનાથી પીડિત છે. લોકોમાં ભયનો માહોલ છે. તેમાંય ખાસ કરીને અમદાવાદ શહેરમાં પરિસ્થિતિ અતિ ગંભીર બની છે. સમગ્ર રાજય અને અમદાવાદ શહેરમાં હોસ્પિટલોમાં બેડ, કોરોનાની સારવાર માટે અસરકારક એવા રેમડેસિવિર ઇન્જેકશન, ફેબી ફલૂ જેવી દવાઓ અને ઓક્સિજનની અછત સર્જાઇ છે. આરોગ્ય વિભાગનો હવાલો સંભાળવતા નાયબ મુખ્યમંત્રીએ પણ સ્વીકાર્યુ છે કે, રાજયમાં કોરોના બેકાબુ બન્યો છે. તંત્ર તેને કન્ટ્રોલ કરી શકે તેમ નથી.

તેમણે અમદાવાદ શહેરના પ્રજાજનોને કોરોના વાઈરસની મહામારીમાં મદદરૂપ થવા મારા ધારાસભ્ય ફંડમાંથી રેમેડેસિવિર ઇન્જેકશનની ખરીદી માટે રૂપિયા 10 લાખ તથા ઑક્સિજન અને વેન્ટીલેટર મશીનની ખરીદી માટે 15 લાખ રૂપિયા ફાળવાનું જણાવ્યું હતુ.

સિવાય જાહેર હિસાબ સમિતિના ચેરમેન તથા ઉનાથી કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશે ગીર-સોમનાથ જિલ્લાના જિલ્લા આયોજન અધિકારીને પત્ર લખીને કોરોના સામેની લડત માટે ધારાસભ્ય ફંડમાંથી 10 લાખ ફાળવવા ભલામણ કરી છે.

પૂજા વંશે જિલ્લા આયોજન અધિકારીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીથી લોકોને બચાવવા માટે સ્થાનિક કક્ષાએ નિદાન ચકાસણી અને જરૂરી તમામ સારવાર ઉપલબ્ધ થાય તે માટે મારા મતવિસ્તાર ઉનામાં રેપીડ ટેસ્ટ કીટ, રેમડેસિવિર ઇન્જેકશન તેમ જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા માટે મારા ધારાસભ્ય ફંડમાંથી 10 લાખ ફાળવવાની દરખાસ્ત કરું છે. અંગે વિના વિલંબં વહીવટી પ્રક્રિયા પુર્ણ કરી સરકાર કક્ષાએથી ત્વરિત જરૂરી આદેશો મેળવી આગળની કાર્યવાહી કરવા ભલામણ કરી હતી.

પ્રથમ વખત ચુંટાયેલા કોર્પોરેટરની પ્રથમ પહેલ

 જ્યારે દરિયાપુર વોર્ડમાંથી પ્રથમ વખત કોર્પોરેશનની ચૂંટણીમાં જીતીને કોર્પોરેટર બનેલા કોંગ્રેસના નિરવ બક્ષીએ ગઇકાલે તા.19મીના રોજ 2021-22ના મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાંથી હાલમાં ચાલતી કોરોના મહામારીને ધ્યાને લઇને બે લાખની રકમ પોતાના બજેટમાંથી ફાળવી છે. 192 કોર્પોરેટરમાં સૌ પ્રથમ બજેટ ફાળવનારા તેઓ પ્રથમ કોર્પોરેટર બન્યાં છે. આટલું નહીં, બજેટ કોરોનાના મહામારી માટે ફાળવીને પ્રેરણા પુરી પાડી છે.

અત્યાર સુધી અમદાવાદ શહેરના કોર્પોરેટરોના ફંડ મુખ્યત્વે બજેટ ટ્રી ગાર્ડન તથા બાકડાં કે પછી અન્ય બાબતોમાં ફાળવાય છે. પહેલી વખત સામાજિક (જાહેર) સેવા માટે યુવા કોર્પોરેટર નિરવે બજેટ ફાળવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વોર્ડમાંથી અત્યારસુધી તેમના પિતા સુરેન્દ્ર બક્ષી કોર્પોરેટર તરીકે ચૂંટાતા હતા.

(5:21 pm IST)